માતા-પિતાની દેખભાળ નહીં કરનાર સરકારી કર્મચારીઓનો પગાર 10 ટકા કપાશે

દીસપુર: આસામના સરકારી કર્મચારીઓ પર ર ઓક્ટોબરથી નવો કાયદો લાગુ થશે. જો તે પોતાનાં માતા-પિતા અને દિવ્યાંગ ભાઇ-બહેનોનું ધ્યાન નહીં રાખે તો તેમના પગારમાં ૧૦ ટકાનો ઘટાડો થશે. આ રકમ આશ્રિત માતા-પિતા અને દિવ્યાંગ ભાઇ-બહેનોના બેન્કખાતામાં જમા કરાશે.

આસામ સરકારે ર૦૧૭ની વિધાનસભામાં માતા-પિતાની જવાબદારી અને દેખભાળનો કાયદો પસાર કર્યો હતો. હવે તેને મંજૂરી મળી ગઇ છે. આસામના નાણાપ્રધાન હિંમત બિસ્વાહ સરમાએ જણાવ્યું કે આ કાયદો લાગુ કરનાર આસામ દેશનું પહેલું રાજ્ય છે. નાણાપ્રધાને જણાવ્યું કે આ નિયમને લાગુ કરવાનો હેતુ એ નક્કી કરવાનો છે કે સરકારી કર્મચારી પોતાના આશ્રિતોની દેખભાળ સારી રીતે કરે.

સરમાએ જણાવ્યું કે જો આશ્રિતોએ ઘરમાં ઉપેક્ષાનો શિકાર થવું પડતું હોય તો તેઓ તેની ફરિયાદ પ્રણામ આયોગને કરી શકે છે. સરકારની એવી યોજના છે કે તેઓ આ નિયમને પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓ પર પણ લાગુ કરે. સરકારના આ નિર્ણયથી વૃદ્ધો ખૂબ જ ખુશ છે, પરંતુ સરકારી કર્મચારીઓ નારાજ છે. સરકારી કર્મચારીઓ આ કાયદાને પોતાની પર્સનલ લાઇફમાં સરકારનો હસ્તક્ષેપ માને છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યપ્રધાન તરુણ ગોગોઇએ અસમીયા સમાજનું અપમાન ગણાવ્યું છે.

You might also like