જેલોની સુરક્ષા માટે સરકાર ગંભીર નથીઃ કોંગ્રેસ

અમદાવાદ: છેલ્લાં ૧૨ મહિનામાં કેદીઓના ફરાર થવાના ૬થી વધુ બનાવો બન્યા છે અને ગુજરાતના ગૃહ વિભાગને નામોશી આપે તેવી ૨૦૦ ફૂટ સુરંગ ખોદાઇ ત્યાં સુધી રાજ્ય સરકાર ઊંઘતી હોય તે દર્શાવે છે કે ગુજરાતમાં આવેલ મોટાભાગની જેલોમાં સુરક્ષા અને આંતરિક વ્યવસ્થા માટે ભાજપ સરકાર ગંભીર નથી, તેવો આક્ષેપ કરતાં પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યની મોટાભાગની જેલોમાંથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત વસ્તુઓ જેવી કે મોબાઇલ ફોન, સિમકાર્ડ, કાર્ડરીડર, ચાર્જર, ચલણી નાણું, ગુટકા, તમાકુ, સોપારી, બીડી, તમાકુ, મસાલા, સિગારેટ, ચા, નેઇલકટર, કાતર, રેઝર, બ્રશ, અરીસો, વિડિયો ગેમ, આઇપોડ, ગંજીપાના, ચમચા, નાની છરી, ફટાકડો, હેરડાઇ અને લાઇટર જેવી અનેક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવેલ છે અને છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની જેલોમાંથી ૫૩૮ મોબાઇલ અને ૨૪૪ સીમકાર્ડ મળી આવ્યા છે.

જેલની અંદર જ બેસીને ખંડણી, હત્યા, જમીન કબજા સહિતની પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલે છે જે અંગે ખુદ જેલ સત્તાવાળાઓએ સ્વીકાર્યું છે.રાજ્યની જેલ મેન્યુઅલ મુજબ આઇજીપી કક્ષાના અધિકારીએ વર્ષમાં એકવાર તમામ જેલોના વોર્ડ, યાર્ડ, બેરેક અને તેની આસપાસનું નિરીક્ષણ કરવાની જોગવાઇ છે, છતાં છેલ્લાં બે વર્ષમાં કેટલાય જિલ્લાઓમાં વર્ષમાં એક પણ વખત જેલોનું નિરીક્ષણ કરવામાં આવેલ નથી.

જે બાબત ઘણી જ ગંભીર છે, ત્યારે ગૃહ વિભાગની નિષ્ફળતા અને રાજ્ય સરકારની બેજવાબદારી નીતિ પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યમાં મધ્યસ્થ જેલ-૪, ખાસ જેલ-૨, સબ જેલ-૧૧, જિલ્લા જેલ-૭ અને ઓપન જેલ-૨ મળી કુલ ૨૬ જેલો આવેલી છે તે પૈકી વર્ષ ૨૦૧૩માં માત્ર ૧૧ જેલોમાં અને વર્ષ ૨૦૧૪માં માત્ર ૧૨ જેલોમાં જ આઇજીપી કક્ષાના અધિકારીઓએ મુલાકાતો લીધી છે. બાકીની જેલોમાં તો આઇજીપી કક્ષાના અધિકારીઓ દ્વારા મુલાકાત જ લેવામાં આવતી નથી.

રાજ્યમાં ગુજરાત જેલ મેન્યુઅલ તૈયાર કરવાની કામગીરી છેલ્લાં ૧૦ વર્ષ કરતાં વધારે સમયથી ચાલે છે, છતાં પણ રાજ્યમાં જેલ મેન્યુઅલ કરવાની કામગીરી પૂરી કરવામાં આવેલ નથી, જેના પરિણામે રાજ્યમાં આવેલ વિવિધ જેલોમાં યોગ્ય વ્યવસ્થાપન થઇ શકતું નથી અને ગંભીર પરિસ્થિતિ જેવી કે સુરંગકાંડ, આંતરરાષ્ટ્રીય ફોન કોલ્સ અને જેલમાં જ કેદીઓના આપઘાત જેવા બનાવોથી કાયદો વ્યવસ્થા અને ગૃહ વિભાગની જવાબદારી સામે પ્રશ્નાર્થ ઊભા થાય છે.

રાજ્યની જેલોમાં છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યની જેલોમાં કેદીઓને ઇંડા, દૂધ અને ફળની ખરીદી પાછળ રૃા. ૩,૪૩,૭૧,૦૦૦નો ખર્ચ નોંધાયો છે. રાજ્યની જેલોમાં ખાસ કેદીઓ માટે મોટા આર્થિક વહેવારોથી અલગ- અલગ સુવિધાઓની ગોઠવણ પણ અનેક ચર્ચાનો વિષય બની છે. રાજ્યમાં આવેલી જેલોમાં પાયાની સુવિધા જેવી કે શુદ્ધ પીવાનું પાણી, સ્વચ્છતા, શુદ્ધ અને સાત્વિક ખોરાક, આરોગ્ય સેવા સાથે જેલ મેન્યુઅલની કામગીરી તાકીદે પૂર્ણ કરીને કડક અમલ થાય તેવી
માંગણી કરાઇ છે.

You might also like