હજારો ઉમેદવાર સરકારી વિભાગોના વાંકે સરકારી નોકરીની તક ગુમાવશે

અમદાવાદ: સરકારી તંત્રની ઉદાસીનતાને કારણે સરકારે જ જાહેર કરેલા દસ વર્ષીય ભરતી કેલેન્ડર મુજબની ભરતીઓ છેલ્લા બે વર્ષ દરમિયાન થઇ શકી નથી. સરકારે વર્ષ ર૦ર૩ સુધીમાં કુલ ૧,પ૩,૦૦૦ જેટલી જગ્યાઓની ભરતી કરવા ટાર્ગેટ જાહેર કર્યો છે, પરંતુ વર્ષ ર૦૧૦ અને ર૦૧પના વર્ષ માટે નિયત જગ્યાઓ ભરવા માટે સંબંધિત સરકારી વિભાગો દ્વારા માગણી પત્રકો સમયસર નહીં મોકલાતાં હજારો લાયક ઉમેદવારો નોકરીથી વંચિત રહેશે.

સરકારના સંબંધિત વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઅી ભરતી માટે સરકારના જ વહીવટી વિભાગે વારંવાર યાદ કરાવવું પડે છે કે તમે વર્ગ ૧થી વર્ગ ૩ની જગ્યાઓ ભરવા માટે ભરતી એજન્સીઓને માગણીપત્રક મોકલો..

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ગ ૧થી ૩ની ખાલી જગ્યાઓની ભરતી માટેનું મહેકમ મંજૂર થયું છે, પરંતુ જે તે સંબંધિત વિભાગે તેનું માગણીપત્રક જે તે સંબંધિત ભરતી એજન્સીને મોકલી દેવું પડે છે. ત્યાર બાદ ભરતી એજન્સી ઉમેદવારોની પસંદગી અંગેની પ્રક્રિયા શરૂ કરે છે.

પરંતુ વર્ષ ર૦૧૦-૧પની નિયત જગ્યાઓ ભરવા માટેના માગણી પત્રકો સંબંધિત ભરતી એજન્સીને નહીં મોકલવાના કારણે હાલમાં ભરતી કેલેન્ડર વર્ષ ર૦૧૪-૧પ, ૧૬ અને ૧૭ એમ ચાર વર્ષની એક સાથે ૧૩,૦૦૦ જગ્યાઓ ભરવાની નોબત આવી છે.

સરકારને વહીવટી કામગીરીમાં આ ખાલી જગ્યા રહેવાથી થોડી અસર પડી છે, પરંતુ ઉમેદવારો કે જેઓ વર્ષ ર૦૧૪માં જે તે લાયકાત ધરાવતા હતા તેવા હજારો ઉમેદવારો બે વર્ષ દરમિયાન ભરતીની પ્રક્રિયા નહીં થતાં વય મર્યાદાના કારણે નોકરી ગુમાવશે.

You might also like