હવે NRI પણ પ્રોક્સી વાેટ આપી શકશેઃ સરકારની મંજૂરી

નવી દિલ્હી: સરકારે એનઆરઆઈને વોટ આપવા માટે મંજૂરી આપી દીધી છે. હવે એનઆરઆઈ પણ ભારતીય ઈલેક્શન સિસ્ટમ એટલે કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ભાગ લઈ શકશે, જોકે આ અંગેનો કાયદો હજુ સંસદમાં પસાર થવાનો બાકી છે, જ્યારે આ કાયદો સંસદમાં પસાર થઈ જશે ત્યારે એનઆરઆઈ વિદેશમાં રહીને પણ પોતાનો પ્રોક્સી વોટ આપી શકશે.

અત્યાર સુધી માત્ર લશ્કરીકર્મીઓ જ પ્રોક્સી વોટ આપી શકતા હતા, જોકે એનઆરઆઈને એ તમામ અધિકારો અને સુવિધા નહીં મળે, જે લશ્કરના કર્મચારીઓને મળે છે. લશ્કર સાથે સંકળાયેલા કોઈ પણ કર્મચારી પોતાના કોઈ પણ સગાંસંબંધીને નિયુક્ત કરીને પર્મેનન્ટ પ્રોક્સી વોટ પસંદ કરી શકે છે, પરંતુ એઆરઆઈને આ સુવિધા મળશે નહીં. તેઓ કોઈ પણ એક વ્યક્તિને પ્રત્યેક ચૂંટણી માટે કાયમી નિમણૂક કરી શકશે નહીં. તેમને પ્રત્યેક ચૂંટણીમાં મત આપવા માટે દર વખતે પ્રોક્સી વોટ માટે કોઈને નિયુક્ત કરવા પડશે.

સૂત્રોના જણાવ્યા મુજબ કેબિનેટની મંજૂરી બાદ ટૂંક સમયમાં નવા નિયમો અને ગાઈડ લાઈન્સ જારી કરવામાં આવશે. અત્યારે એનઆરઆઈ અને વિદેશમાં વસેલા ભારતીયો પોતાની રજિસ્ટર્ડ વિધાનસભામાં મત આપવા માટે રજિસ્ટર્ડ છે. કડક નિયમોના કારણે વિદેશમાં વસતા કેટલાક ભારતીય જ મત આપી શકે છે, જેમાં મોટા ભાગના લોકો કેરળના છે, જોકે સરકાર આ અગાઉ એનઆરઆઈને લશ્કરના કર્મચારીઓની જેમ પોસ્ટ દ્વારા મતાધિકાર આપવાની વિચારણા કરતી હતી.
અંદાજિત આંકડા અનુસાર વિદેશોમાં લગભગ એક કરોડ જેટલા ભારતીયો વસે છે, જેમાંથી ૬૦ લાખ લોકો મત આપવા પાત્ર છે. એનઆરઆઈમાં સૌથી વધુ લોકો કેરળ, પંજાબ અને ગુજરાતના છે.
http://sambhaavnews.com/

You might also like