મોદી કેબિનેટ બાદ હવે ભાજપ અને સંઘમાં પણ ધરખમ ફેરફાર

નવી દિલ્હી: મોદી પ્રધાનમંડળમાં ફેરફારનો અર્થ હવે માત્ર સરકાર સુધી જ મર્યાદિત રહેશે નહીં, તેના પરથી એવો નિર્દેશ મળે છે કે ભાજપ સંગઠન અને કેટલીક હદે સંઘમાં પણ ફેરફાર થશે. હવામાં ઊડી રહેલા કેટલાક નેતાઓની પાંખ વહેલી મોડી કપાશે એવાં એંધાણ વર્તાઇ રહ્યાં છે. ભાજપ અને સંઘ વચ્ચેના તાલમેલની કડીમાં પણ કેટલીક હદે ફેરફાર થવાના નિર્દેશો મળી રહ્યા છે.

લાંબા સમય સુધી સંઘ અને ભાજપ વચ્ચેના સંકલનની કામગીરી સંભાળનાર સંઘના સહ સરકાર્યવાહક સુરેશ સોનીની વાપસી હવે નિશ્ચિત માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ર૦૧૪ની લોકસભાની ચૂંટણી પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉમેદવારીની જાહેરાતમાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી. તાજેતરમાં વડા પ્રધાને પોતાના પ્રધાનોનાં મંત્રાલયોમાં જે ફેરફાર કર્યો તેમાં સૌથી વધુ ચોંકાવનારો નિર્ણય સ્મૃતિ ઇરાનીના મંત્રાલયને બદલવાનો હતો. સ્મૃતિ ઇરાનીને માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાંથી હટાવી દેવામાં આવ્યાં છે. તેનું એક કારણ સંઘ સાથેના જોડાયેલા તાર પણ જવાબદાર હોય એવું જણાઇ રહ્યું છે.

સ્મૃતિ ઇરાનીની માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાંથી હકાલપટ્ટી કૃષ્ણ ગોપાલ માટે એક મોટા ફટકા સમાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે કૃષ્ણ ગોપાલને સંઘમાં સુરેશ સોનીના સ્થાને ભાજપ અને સંઘ વચ્ચે સંયોજક બનાવવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી સ્મૃતિ ઇરાની પર સંઘના વધુ પડતા દબાણ હેઠળ કામ કરવાનો આક્ષેેપ થયો હતો.

You might also like