પાટીદાર સામેના જંગમાં સરકારની પીછેહઠ?

રાજ્યમાં અનામત આંદોલનનો બીજો તબક્કો શરૂ થતાં જ સરકારમાં ભયની લાગણી અનુભવાઈ રહ્યાંનો અહેસાસ થાય છે. પ્રથમ તબક્કાના આંદોલનથી ભાજપને તાલુકા-જિલ્લા પંચાયતો ગુમાવવી પડી છે. હવે બીજા તબક્કાના આંદોલનને કારણે મુખ્યમંત્રીપદ કે ૨૦૧૭ની વિધાનસભા ગુમાવવી ન પડે તેની ચિંતા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલેને કોરી ખાઇ રહી છે.

અનામત આંદોલનને કોઇપણ ભોગે તોડી પાડવા મુખ્યમંત્રીએ પોતાના બે મહારથીઓને મેદાને ઉતાર્યા છે. જેમાં મંત્રીમંડળમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા અને પાટીદાર અગ્રણી નીતિન પટેલ તથા પ્રદેશ ભાજપમાંથી મનસુખ માંડવિયાને આંદોલન પર ઠંડું પાણી રેડવાની જવાબદારી સોંપાઈ હોવાનું સચિવાલયમાં ચર્ચાઇ રહ્યું છે.

આંદોલન સંદર્ભે મુખ્યમંત્રીએ પાટીદાર આગેવાનો સાથે બેઠક યોજી હતી, જેમાં નીતિન પટેલ અને મનસુખ માંડવિયાને હાજર રાખવામાં આવ્યા હતા. બેઠકમાં સી.એમ.ઓ.ના ઉચ્ચ અધિકારીને પણ હાજર રાખી, ચાણક્ય નીતિ અપનાવાઈ હોવાનું જાણવા મળ્યું છે. જે અંતર્ગત જ પ્રથમ બેઠક બાદ ગૃહવિભાગ દ્વારા આંદોલન સંદર્ભે થયેલા ૭૪ કેસો પાછા ખેંચવાનો નિર્ણય લેવાયો છે.

જો કે સરકારના એક ઉચ્ચાધિકારીના જણાવ્યા મુજબ કે.કૈલાશનાથન અને રાજ્ય પોલીસવડા પી.સી. ઠાકુર વચ્ચે યોજાયેલી બેઠકમાં આ ૭૪ કેસો પાછા ખેંચવાની ભલામણ તૈયાર કરાઈ હતી. આ ઉચ્ચાધિકારીના જણાવ્યા પ્રમાણે પાછા ખેંચવામાં આવનાર ૭૪ કેસોમાંથી મોટાભાગના કેસો કોર્ટમાં પ્રથમ દૃષ્ટિએ જ નીકળી જાય તેવા હોવાનો કાયદા નિષ્ણાતોના મતના આધારે નિર્ણય લેવામાં આવ્યો હોવાની ચર્ચા સચિવાલયમાં થઇ રહી છે.

હાર્દિક પટેલને જેલમાંથી મુક્ત થવાનો સમય થયો?
અનામત આંદોલનમાં થયેલા કેસો પાછા ખેંચવામાં રાજકીય રમત હોવાની ચર્ચા થઇ રહી છે. પાટીદારોમાં જ બે ભાગલા પાડી સરકાર આંદોલનને તોડી પાડવાના પ્રયાસો કરતી હોવાનું પાટીદાર નેતાઓ માની રહ્યા છે. જો કે સરકારના એક ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ હાર્દિક પટેલ સહિત ૧૪ પાટીદારો સામે થયેલા કેસો કાયદાકીય રીતે લાંબા ચાલી શકે તેવા નથી. પાટીદારોએ સુપ્રીમ કોર્ટ સુધી ન્યાયની માગણી કરી છે. આથી હવે હાર્દિક સામેના કેસોમાં કોર્ટ નરમ વલણ દાખવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આમ પણ સરકારે જે કલમો હાર્દિક સામે લગાવી છે તે સાબિત કરવી ગૃહ વિભાગ માટે પણ મુશ્કેલ હોવાનું કાયદા નિષ્ણાતો માને છે. હાર્દિક જેલમાંથી મુક્ત થતાં જ પુનઃહીરો બની આંદોલન ચલાવશે તેવું મનાય છે. આથી સરકારની મૂંઝવણ વધી રહી છે.

ભાજપના પ્રદેશ પ્રમુખનો તાજ કોના શિરે?
પ્રદેશ ભાજપના પ્રમુખપદનું નામ શોધવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. ભાજપપ્રભારી દિનેશ શર્મા અને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની આગેવાની હેઠળ પ્રદેશના નેતાઓએ ચિંતન બેઠક કરી હતી, જેમાં ચૂંટણીમાં હારનાં કારણો અને નવા પ્રદેશ પ્રમુખના નામ સંદર્ભે ચર્ચાવિચારણા કરાઈ હતી. જો કે તાલુકા અને જિલ્લા સંગઠન સંરચના બાદ જ પ્રદેશ પ્રમુખની પસંદગી કરવાનો નિર્ણય લેવાશે એટલે નવા પ્રદેશ પ્રમુખ ૨૧મી જાન્યુઆરી પછી જાહેર કરાશે. જો કે ભાજપનાં સૂત્રોના જણાવ્યાનુસાર પ્રદેશ પ્રમુખની રેસમાં સૌથી પ્રથમ હરોળમાં ચાલતાં એક નેતાએ સામેથી જ પ્રદેશ પ્રમુખ બનવાની ઇચ્છા ન હોવાનું પાર્ટીને જણાવી દીધું છે.

પ્રદેશ પ્રમુખપદ મેળવવા અનેક નેતાઓ પોતાનું માર્કેટિંગ કરી રહ્યા છે ત્યારે આ સિનિયર ગણાતા નેતાએ પ્રમુખપદ માટે ના પાડતાં પાર્ટી મૂંઝવણમાં મુકાઇ છે. સચિવાલયમાં ચાલતી ચર્ચા મુજબ મુખ્યમંત્રી અને પાર્ટી સંગઠન વચ્ચે વધેલા અંતરને કારણે આ નેતાએ પોતાના નામ પર ચર્ચા ન કરવા વિનંતિ કરી હોવાનું જાણવા મળે છે. આ નેતાને ભય છે કે પાર્ટી અને સરકાર વચ્ચે પ્રમુખના પદ માટે હવેનાં સમયમાં સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિનું નિર્માણ થશે. આથી પોતે રાજકીય કારકિર્દી દાવ પર મૂકવા માગતા નથી.

ઉચ્ચ અધિકારીઓની ‘ચાય પે ચર્ચા’
રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓએ પોતપોતાના ગ્રૂપમાં ચાય પે ચર્ચાની શરૂઆત કરી હોવાનું જાણવા મળે છે. સરકારમાં આગામી દિવસોમાં મોટાપાયે બદલીબઢતીનો દૌર શરૂ થઇ રહ્યો છે. આઇએએસ અધિકારીઓ પસંદગીના વિભાગમાં પોસ્ટિંગ માટે લોબિંગ કરી રહ્યા છે.

જો કે પોતાની સાથે સ્પર્ધામાં રહેલા સમકક્ષ અધિકારી કયાં વિભાગમાં જવા માટે લોબિંગ કરે છે તેની માહિતી જાણવા આઇએએસ અને આઇપીએસ અધિકારીઓમાં ચાય પે ચર્ચાની સ્ટાઇલ હોટ બની છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ મોટાભાગના અધિકારીઓ બપોરનીચાર વાગ્યાની આસપાસ ચાય પે ચર્ચા માટેનો સમય પસંદ કરી રહ્યા છે.

આવા ઉચ્ચ અધિકારી મુખ્ય સચિવ જી.આર.અલોરિયા અને સી.એમ.ઓ.માં પણ અવારનવાર ચા પીવા નામે પોતાનું જ માર્કેટિંગ કરતાં નજરે પડે છે. જ્યારે આઇપીએસ અધિકારીઓ તો સીધા જ ગૃહવિભાગમાં તાલમેલ બેસાડવાના પ્રયાસો કરી રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

હિતલ પારેખ

You might also like