સંસદમાં ઉતરાખંડ, અરૂણાચલ પ્રદેશ મુદ્દે સરકાર વિપક્ષ સામસામે

નવી દિલ્હી : કોંગ્રેસ શાસિત રાજ્ય ઉતરાખંડ અને અરૂણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું ભુત સંસદમાં ફરીથી ધુણ્યું હતું. જેનાં કારણે કોંગ્રેસ અને ભાજપ સામસામે આવી ગયા હતા. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે ચુંટાયેલી સરકારને બર્ખાસ્ત કરવા માટે કેન્દ્ર સરકાર પર લોકશાહીની હત્યાનો આરોપ લગાવ્યો હતો. જો કે ભાજપે આ આરોપને ફગાવી દીધો હતો.

સરકારની તરફથી કોંગ્રેસનાં આરોપનો જવાબ આપતા જણાવ્યું કે, કોંગ્રેસે પોતાનાં શાસન દરમિયાન સંવિધાનનાં 356માં અનુચ્છેદનો સૌથી વધારે દુરૂપયોગ કર્યો છે. કોંગ્રેસે પોતાનાં શાસનકાળ દરમિયાન ઓછામાં ઓછુ 100 વખત લોકશાહીની હત્યા કરી ચુકી છે. તેમ છતા પણ તે ભાજપ પર હાલ આરોપો લગાવી રહી છે.

રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવતા કોંગ્રેસી નેતા આનંદ શર્માએ જણાવ્યું કે બંન્ને રાજ્યોમાં જે કાંઇ પણ થયું તે લોકશાહીની હત્યા છે. સંવિધાનની મુળ ભાવનાનું ઉલ્લંઘન છે. લોકશાહીનાં ચિથડે ચિથડા ઉડ્યા હતા.

શર્માનાં અનુસાર ઉતરાખંડ, અરૂણાચલ પ્રદેશમાં જે કાંઇ પણ થયું તેનાંથી લોકશાહીની મજાક બની ગઇ હતી. લોકશાહીના સંરક્ષણ માટે કોર્ટે હસ્તક્ષેપ કરવો પડ્યો તે ખુબ જ શરમજનક છે. તેમણે ઉતરાખંડના રાજ્યપાલને પણ હટાવવાની માંગ કરી હતી. ઉપરાંત વડાપ્રધાનનાં નિવેદનની માંગ કરી હતી.

આનંદ શર્માએ આરોપ લગાવ્યો કે આ સમગ્ર રાજકીય ઉથલપાથલ માટે ગૃહરાજ્યમંત્રી કિરણ રિજિજુ જવાબદાર છે. જેનું ખંડન કરતા કિરેને જણાવ્યું કે આ કોંગ્રેસનો આંતરિક વિખવાદ હતો. તેમાં મારા હસ્તક્ષેપનો કોઇ સવાલ જ ઉઠતો નથી.

You might also like