લક્ષ્મણરેખા, સરકાર અને ન્યાયતંત્ર

૨૬નવેમ્બરે બંધારણ દિન નિમિત્તે પાટનગર દિલ્હીમાં યોજાયેલા સમારોહોમાં સરકાર અને ન્યાયતંત્ર પરસ્પર એકબીજાને તેમની લક્ષ્મણરેખા દર્શાવતાં જોવામાં આવ્યાં. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટોમાં ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયા અંગે સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધનું પ્રતિબિંબ તેમાં જોવા મળતું હતું. એક સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ જે. એસ. ઠાકુરે એવું કહ્યું હતું કે સરકારનાં ત્રણેય અંગોએ તેમની મર્યાદામાં રહેવું જોઈએ અને તેની દેખરેખ રાખવાની ફરજ સર્વોચ્ચ અદાલતની છે. એ પછી અન્ય એક સમારોહમાં મુખ્ય ન્યાયાધીશની આ ટિપ્પણીનો પ્રત્યુત્તર આપતાં એટર્ની જનરલ મુકુલ રોહતગીએ એવું કહ્યું હતું કે ન્યાયતંત્ર સહિત સરકારનાં તમામ અંગો માટે લક્ષ્મણરેખા છે. સ્વ-નિયંત્રણ એ મહત્ત્વની બાબત છે. એ પછી તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ન્યાયતંત્રને પણ તેની લક્ષ્મણરેખા છે તેનો અહેસાસ તેને થવો જોઈએ. ભારતના બંધારણના ઘડતરની કામગીરી જે દિવસે સંપન્ન થઈ હતી એ ૨૬ નવેમ્બરના દિવસની ઉજવણી જાણે સરકાર અને ન્યાયતંત્ર વચ્ચેના સંઘર્ષનું નિમિત્ત બની રહી.

મહત્ત્વની વાત એ છે કે લક્ષ્મણરેખાની વાત કરીને ન્યાયતંત્ર કે સરકાર એકબીજા પર પોતાની સર્વોપરિતા સાબિત કરવાનો પ્રયાસ કરે એ યોગ્ય નથી. લોકતંત્રના આધાર સ્તંભ તરીકેના ચાર સ્તંભોમાં કાર્યપાલિકા અને ન્યાયપાલિકાનો સમાવેશ થાય છે. એ સ્તંભો સમાન સ્તરે હોય ત્યારે જ લોકતંત્રની સમતુલા જળવાઈ શકે. ન્યાયપાલિકાને સ્વતંત્ર અને જીવંત બનાવી રાખવાનું કામ સરકારનું છે ત્યારે ન્યાયતંત્રએ પણ એક વાત સમજવી જોઇએ કે લોકતંત્રને કારણે જ તેની સ્વાયત્તતા સુનિશ્ચિત થાય છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના કોલિજયમે વિવિધ હાઈકોર્ટોમાં ન્યાયાધીશોની નિયુક્તિ માટે ૭૭ નામોની યાદી કેન્દ્ર સરકારને મોકલી હતી. સરકારે તેમાંથી ૩૪ નામોને મંજૂરી આપી ૪૩ નામોને ટિપ્પણી સાથે પુનર્વિચાર માટે પાછાં મોકલી આપ્યાં હતાં. કોલિજિયમે એક જ સપ્તાહમાં સરકારના વાંધાને ફગાવી દઈને એ બધાં નામો ફરી મંજૂરી માટે મોકલી આપ્યાં હતાં. અહીં કોલેજિયમ માટે જાણે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય એવી સ્થિતિ સર્જાઈ.

કોલેજિયમ ભલામણ કરે એ બધાં નામોને સરકારે સ્વીકૃત કરવાં જ જોઈએ એવી માન્યતામાંથી આ સ્થિતિ સર્જાઈ. વાસ્તવમાં એક ચૂંટાયેલી સરકારે કેટલાંક નામો અંગે વ્યક્ત કરેલા વાંધાવિરોધને આટલી હળવાશથી લેવાં ન જોઈએ. ૧૯૯૩માં ‘સેકંડ જજીસ’ કેસમાં વ્યાખ્યા દ્વારા ન્યાયાધીશોની નિયુક્તિનો અધિકાર સુપ્રીમ કોર્ટે સરકાર પાસેથી લઈ લીધો હતો. એ નિર્ણયની કાયદેસરતા અંગે ત્યારે પણ દિગ્ગજ કાયદાશાસ્ત્રીઓએ પ્રશ્નો ખડા કર્યા હતા. આ ઉપરાંત ત્યારપછીના સમયગાળામાં કોલિજિયમની કામગીરી સામે પણ અનેક ન્યાયધીશોએ જ શંકા વ્યક્ત કરી છે. ગત દિવસોમાં જ જસ્ટિસ જે. ચેલમેશ્વરે કોલેજિયમની કામગીરીમાં પારદર્શિતા નથી એવું કહીને તેની બેઠકમાં હાજર રહેવાનો ઇનકાર કરી દીધો હતો. તાજેતરમાં નિવૃત્ત થયેલા શિવ કીર્તિ સિંહે પણ આવો જ આક્ષેપ કર્યો છે. ‘સેકંડ જજીસ’ કેસમાં ચુકાદો લખનાર ન્યાયમૂર્તિ જે. એસ. વર્માએ પોતે પાછળથી કોલેજિયમ પ્રણાલીમાં પરિવર્તન કરવાની સલાહ આપી હતી.

ન્યાયતંત્ર અને સરકાર વચ્ચેનો આ સંઘર્ષ હમણાંનો છે એવું માનવાની ભૂલ કરવા જેવી નથી. સર્વોચ્ચ અદાલતે જ્યારથી ન્યાયાધીશોની નિયુક્તિનો અધિકાર પોતાના હાથમાં લીધો છે ત્યારથી સરકારમાં અંદરખાને અસંતોષ પ્રવર્તતો રહ્યો છે. વર્તમાન સરકારમાં એ મુખર બન્યો તેનું કારણ એ છે કે ૨૦૧૪માં સરકારે પહેલી વાર બંધારણમાં સુધારો કરીને રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ પંચની રચનાની જોગવાઈ કરીને તેમાં બદલાવનો પ્રયાસ કર્યો, પરંતુ સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચે ચાર વિરુદ્ધ એકની બહુમતીથી આ બંધારણ સુધારો અમાન્ય કરી દીધો. આ ઘટના પછી ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે સંઘર્ષ ચાલતો હોવાનું સતત અનુભવાતું રહ્યું છે. બંધારણ દિવસની ઉજવણી જેવા પ્રસંગોએ એકબીજાને લક્ષ્મણરેખા દર્શાવવાના પ્રયાસ થાય ત્યારે દેશના લોકો પણ તેના સંકેતો સમજી જતા હોય છે. ન્યાયાધીશોની નિયુક્તિની બાબત કોઈને માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનવી ન જોઈએ. તેમાં માત્ર ને માત્ર દેશનાં અને ન્યાયતંત્રનાં હિતોને સર્વોચ્ચ માનીને નિર્ણય થવો જોઈએ
http://sambhaavnews.com/

You might also like