સરકારી એમ્બ્યુલન્સમાં ઓક્સિજનના અભાવે જ દર્શનનું મોત નીપજ્યું હતું

અમદાવાદ: સ્વાઈન ફલૂના કારણે શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ સત્તર મહિનાના બાળકનાં મોત મામલે સારવાર કરનાર ડોક્ટર વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સારવાર કરનાર ડોકટરે ફરજ પર બેદરકારી દાખવી અને સરકારી એમ્બ્યુલન્સમાં રાખવામાં આવતાં બે એક્સ્ટ્રા બાટલામાં ઓક્સિજન ન હોવા છતાં વધુ સારવાર માટે અસારવા સિવિલ દાખલ કરવા મોકલ્યો હતો. જેથી ઓક્સિજનના અભાવે બાળકનું મોત નીપજ્યું હતું. જોકે પોલીસ ફરિયાદમાં કોઈ ડોક્ટરના નામનો ઉલ્લેખ ન કરવામાં આવતાં અનેક સવાલો ઊભા થયા છે.

સાણંદ તાલુકાના નવાપુરામાં ગમે રહેતા પ્રવીણ પગીના પુત્ર દર્શન પગી(ઉ.વ ૧૭ માસ)ને ૧૧ ઓગસ્ટે તાવ આવ્યાે હતો. વધુ તાવ આવતાં સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

રિપોર્ટ કરાવતાં તેનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારવાર દરમિયાન દર્શનને સ્વાઇન ફ્લૂ રોધક ટેમિ ફ્લૂ દવા આપવાની ચાલુ રાખવામાં આવી હતી.સારવાર દરમિયાન તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થતાં ૧૪ ઓગસ્ટના રોજ તેને ઓક્સિજન માસ્ક સિલિન્ડર પર રાખવામાં આવ્યું હતું. બાળકને વેન્ટિલેટર આપવામાં આવ્યું નહોતું. હોસ્પિટલની સારવારથી દર્દીના પરિવારને ભારે અસંતોષ હતો તેથી તેમણે બાળકને વેન્ટિલેટર પર મૂકવાનો આગ્રહ કર્યો હતો. સારવાર દરમ્યાન વધુ તબિયત લથડતાં તેને વધુ સારવાર માટે ડોક્ટરે અસારવા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવા જણાવ્યું હતું.

સરકારી એમ્બ્યુલન્સમાં દર્શનને અસારવા સિવિલ લઇ જતા રસ્તામાં ઓક્સિજનની જરૂર પડી હતી.પરંતુ એમ્બ્યુલન્સમાં રાખવામાં આવતા બે એક્સ્ટ્રા બાટલામાં ઓક્સિજન જ ન હતો. જેથી તેને પરત સોલા સિવિલ લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

સરકારી એમ્બ્યુલન્સના બે એક્સ્ટ્રા સિલિન્ડર ખાલી હોવાના કારણે દર્શનનું મોત નીપજ્યું હતું. બાળકની પરિસ્થિતિ ક્રિટિકલ હોવા છતાં સારવાર કરનાર ડોકટરે એમ્બ્યુલન્સમાં ઓક્સિજન છે કે નહિ તે જાણ્યા વગર દર્શનને સારવાર માટે ખસેડતાં ઓક્સિજન ન મળતાં રસ્તામાં જ દર્શન મોતને ભેટ્યો હતો. સોલા પોલીસે સારવાર કરનાર ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

You might also like