પાટીદારોમાં ભાગલા પડાવવામાં સરકાર સફળ

રાજ્યમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનમાં રાજ્ય સરકાર આખરે પાટીદારોમાં ભાગલા પડાવવામાં સફળ થઈ છે. એક તરફ દિલ્હીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના આગેવાનોએ રાજ્ય સરકાર વિરુદ્ધ એક દિવસના પ્રતીક ઉપવાસ કર્યા હતા અને તે જ દિવસે સરદાર પટેલ ગ્રૂપ (એસપીજી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને ૨૯ માગણી સાથેનો પત્ર સોંપ્યો હતો.

લાલજી પટેલે પોતાની માગણીઓમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, પાટીદારોને કોઈ પણ સંજોગોમાં અનામતથી ઓછું ખપતું નથી અને તેના માટે રાજ્ય સરકારને એક માસનો સમય આપ્યો છે. એક માસમાં નિર્ણય નહીં આવે તો તેઓ પુનઃ આંદોલન કરશે. આ મુલાકાત દરમિયાન પાટીદાર સમાધાન સમિતિના કન્વીનર જયરામ પટેલ પણ સાથે જ હતા.

જોકે આ મુલાકાતમાં એસપીજી સામે ચાલીને મળવા આવ્યું હોવાનો સૂર રાજ્ય સરકારે વ્યક્ત કર્યો હતો. સરકારના પ્રવક્તા નીતિન પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, એસપીજીએ સામેથી મળવાનો સમય માગ્યો હતો. જ્યારે લાલજી પટેલે સ્પષ્ટ જણાવ્યું હતું કે, નીતિન પટેલ આ સંદર્ભે કશું જાણતા નથી. મુખ્યમંત્રી સાથે સમાજના અગ્રણી તથા સાંસદ વિઠ્ઠલ રાદડિયા અને જયરામ પટેલે વાત કરતા તેમણે જ મુલાકાત નક્કી કરી હતી.

જોકે ‘પાસ’ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા સોંપવામાં આવેલો ૨૭ માગણીનો પત્ર અને એસપીજીની માગણીઓમાં મોટા ભાગની સરખી જ હોવાનો સ્વીકાર લાલજી પટેલે કર્યો છે. આથી સ્પષ્ટ છે કે, રાજ્ય સરકાર હાર્દિક પટેલની ‘પાસ’ અને એસપીજી વચ્ચે ભાગલા પાડી રાજ કરવાની નીતિ અપનાવી રહી છે અને તેમાં ચોક્કસ સફળતા મળી છે. ઉપરાંત રાજ્ય સરકારે એક માસનો વધુ સમય મેળવવામાં પણ સફળતા મેળવી લીધી છે.

કોંગ્રેસ વિધાનસભાના સત્રનો યોગ્ય ઉપયોગ કરવામાં નિષ્ફળ
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર અડધું પૂરું થઈ ગયું છે. જોકે કોંગ્રેસ પોતાની વાત પ્રજા સુધી લઈ જવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસ તેના આંતરિક રાજકારણને લીધે રાજ્ય સરકારને વિધાનસભામાં ઘેરવામાં પૂરેપૂરી સફળ થઈ નથી. સત્ર શરૂ થયું ત્યારે ઘણા મુદ્દા પર સરકારને ભીંસમાં લેવાની તક કોંગ્રેસ પાસે હતી, જે તક તેણે જતી કરી છે. પાટીદાર અનામત આંદોલનથી માંડીને ગુજરાતના રાજકારણને સ્પર્શતા મુદ્દાને કોંગ્રેસ ગૃહમાં યોગ્ય ન્યાય આપી શકી નથી.

સચિવાલયનાં સૂત્રોના જણાવ્યા મુજબ દર વર્ષે કોંગ્રેસ જે રીતે આક્રમક હોય છે, તેના કરતાં આ વખતે વધુ નબળી સાબિત થઈ. વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ગૃહમાં શાસક પક્ષને ઘેરવાને બદલે માત્ર કોંગ્રેસના નેતા હોવાને લીધે રજૂઆત કરતા હોય તેવી છબી ઊભી થઈ. ખુદ કોંગ્રેસના જ ધારાસભ્યો પણ મૂંઝવણમાં મુકાયા છે કે, પક્ષનો નેતા જ સાથ ન આપે તો પછી કેવી રીતે શાસક પક્ષને ગૃહમાં ઘેરી શકાય? સત્રના ૨૦થી વધુ દિવસો પસાર થઈ ચૂક્યા છે ત્યારે ગૃહમાં માત્ર એક- બે કેસને બાદ કરતાં કોંગ્રેસ કોઈ આક્રમકતા બતાવી શકી નથી.

સત્ર દરમિયાન અધિકારીઓની ગુલ્લી
વિધાનસભાનું સત્ર ચાલતું હોય અને જે તે વિભાગની ચર્ચા ચાલી રહી હોય ત્યારે તે વિભાગના તમામ ઉચ્ચાધિકારીઓને ગૃહમાં અધિકારીઓની દીર્ધામાં હાજર રહેવું ફરજિયાત હોય છે. જોકે અધિકારીઓ હાજર રહેતા ન હોવાની ફરિયાદો ઊઠતી રહે છે. થોડા દિવસો પહેલાં જ મહેસૂલ વિભાગના પ્રશ્ન વખતે વિભાગનો એક પણ અધિકારી હાજર ન રહેતા તેની ગૃહમાં ખાસ નોંધ લેવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

આથી જ તમામ વિભાગોને એક પરિપત્ર કરીને સૂચના આપવામાં આવી કે જે તે વિભાગના પ્રશ્નો અને તેની ચર્ચામાં તે વિભાગના અધિકારીઓએ ફરજિયાત હાજર રહેવું. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી બાબુઓ વિધાનસભાની કાર્યવાહીને મહત્ત્વ આપતા ન હોવાથી આવું થાય છે. ગૃહના અધ્યક્ષે આ બાબતની નોંધ લઈ
પરિપત્ર કરવાનો આદેશ કરવો પડ્યો. આ પરિપત્ર પછી અધિકારીઓ પણ સમજી ગયા કે, હવે હાજર રહેવું પડશે, નહિ તો વિધાનસભા સચિવાલયના રોષનો ભોગ બનવું પડશે.

વિધાનસભામાં ત્રણ પ્રધાન સતત ગેરહાજર
વિધાનસભા સત્રમાં ધારાસભ્યો અને પ્રધાનોને હાજર રહેવાની પાર્ટી તરફથી સૂચના અપાતી હોય છે. જોકે આ વખતે વિધાનસભામાં ત્રણ પ્રધાન સતત ગેરહાજર રહ્યા, તેની સીધી અસર ગૃહની કાર્યવાહી પર પડી છે. કારણ કે પ્રધાનોએ તેમના વિભાગનો જવાબ આપવાનો હોય છે. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સતત ગેરહાજર રહ્યા. તેમની તબિયત સારી ન હોવાથી ગૃહમાં શિક્ષણ અને પુરવઠા વિભાગના પ્રશ્નોના જવાબ ભાજપના પ્રદેશ પ્રમુખ અને વાહનવ્યવહાર પ્રધાન વિજય રૂપાણીને આપવાની ફરજી પડી.

નાણાપ્રધાન સૌરભ પટેલની પણ તબિયત બગડતાં તેઓ ગેરહાજર હોવાથી ગૃહમાં સરકારની સ્થિતિ મુશ્કેલ બની હતી. નાણાં વિભાગના પ્રશ્નો-જવાબો સામાજિક ન્યાય પ્રધાન રમણ વોરાએ આપ્યા હતા. બંને કેબિનેટ પ્રધાનોની ગેરહાજરી ઉપરાંત ઘણાં વખતથી ગૃહમાં અને કેબિનેટમાં ગેરહાજર રહેતા પુરુષોત્તમ સોલંકી પણ સત્રમાં જોવા મળ્યા નથી.

હિતલ પારેખ

You might also like