ગોતા-ગોધાવી કેનાલને અંદાજે રૂ.ર૦ કરોડના ખર્ચે પાકી કરાશે

અમદાવાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતી આશરે ૧૦ કિ.મી. લાંબી ગોતા-ગોધાવી કેનાલને અંદાજે રૂ.ર૦ કરોડના ખર્ચે સિમેન્ટ-કોંક્રીટના પાયાથી પાકી કરવાની દિશામાં ચક્ર ગતિમાન કરાયાં છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ગોતા-ગોધાવી કેનાલના મજબૂતીકરણ અને નવીનીકરણના પ્રોજેકટ હેઠળ આશરે ૧૦ કિ.મી. લંબાઇની કેનાલમાં લાઇનિંગ કરવાના બે કામના કુલ રૂ.૧૯.ર૭ કરોડનાં ટેન્ડર તેમજ ટેન્ડર આધારીત કુલ રૂ.રર.૧૦ કરોડના અંદાજને મંજૂર કરાયો છે. આગામી છ મહિનામાં આ કામગીરી પૂર્ણ કરાશે.

આ ઉપરાંત લાલ દરવાજા, કાંકરિયા, ન્યૂ સબબર્ન બહેરામપુરા, દાણીલીમડા અને નરોડા અનિલ સ્ટાર્ચ રોડ, તેમજ ખોખરા પમ્પિંગ સ્ટેશન વિસ્તારના લોકોને સવારના છ થી આઠ દરમ્યાન વધુ પ્રેશરથી પાણી પૂરું પાડવા વધુ શક્તિશાળી પંપ ખરીદાશે.

આ માટે રૂ.૧.૩૦ કરોડનો અંદાજ મંજૂર કરાયો હોઇ આજે મળનારી વોટર સપ્લાય કમિટી સમક્ષ મંજૂરી માટે મુકાયો છે. જ્યારે ઓઢવ વોર્ડના છોટાલાલની ચાલી અને આસપાસના વિસ્તારો દર વર્ષે વરસાદી પાણીમાં ગરકાવ થતા હોઇ તંત્રએ છોટાલાલની ચાલીથી ઓઢવ તળાવ સુધી સ્ટ્રોર્મ વોટર લાઇન નાખવા માટે રૂ.૬૭.૯૯ લાખનો અંદાજ તૈયાર કર્યો છે.

તેમજ પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવ તળાવને વિકસિત કરાશે. ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં ઓઢવ તળાવના વિકાસનો ઠરાવ પસાર કરાયો હતો. ઓઢવ તળાવની આસપાસના ફ્રન્ટને લેન્ડસ્ક્રેપિંગ, વોકિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા, એન્ટ્રી ગેટ, બેઠક વ્યવસ્થા, સિનિયર સિટીઝન કોર્નર, ફૂડ કોર્ટ જેવી સુવિધાઓથી વિકસિત કરવા રૂ.પ.પપ કરોડના ટેન્ડર અને રૂ.૬.૬૯ કરોડના અંદાજને આજે સાંજે મળનારી વોટર સપ્લાય કમિટી સમક્ષ મંજૂરી માટે મુકાયો છે.
http://sambhaavnews.com/

You might also like