‘ભારતમાં પાકિસ્તાન કરતાં વધારે પ્રેમ મળે છે’

શનિવારે ટી-20 વિશ્વકપમાં ભાગ લેવા પહોંચેલી પાકિસ્તાન ટીમના સુકાની શાહિદ અફરીદીએ રવિવારે પત્રકાર પરિષદમાં વાત કરતાં જણાવ્યું કે પાકિસ્તાન કરતાં ભારતમાં વધારે પ્રેમ મળે છે. કોલકાતા ખાતે મિડીયા સાથેની વાતચીતમાં અફરીદીએ જણાવ્યું કે ભારતમાં અમે હંમેશા ક્રિકેટનો આનંદ માણ્યો છે. અહીંના લોકો પાસેથી અમે ખૂબ પ્રેમ મળ્યો છે, આટલો પ્રેમ તો અમને પાકિસ્તાનમાં પણ મળતો નથી. સુકાની અફરીદીએ કહ્યું કે ભારત આવવા અમે શારીરિક અને માનસિક રીતે તૈયાર હતા.

અમને ખબર હતી અમારે ભારત જવાનું છે. ભારતમાં ક્રિકેટ રમવાનું મને પસંદ છે. અફરિદીએ કહ્યું કે પ્રથમ મેચ જ મહત્વપૂર્ણ છે. પહેલી મેચથી જ અમે આત્મવિશ્વાસ મેળવવા માગીએ છીએ. કોલકાતા ખાતે અમારું અંતિમ પ્રદર્શન સારું હતું જે એક પોઝીટીવ વાત છે. પાકિસ્તાની સુકાની અફરીદીએ જણાવ્યું કે હાલમાં ભારત ઘણું ફોર્મમાં છે. એશિયા કપમાં વિરાટ કોહલી અને યુવરાજસિંહે સુંદર રમત દાખવી હતી.

પાકિસ્તાન ટીમના ઓલરાઉન્ડર શોએબ મલિકનું માનવુ છે કે પાકિસ્તાન ટીમની બેટિંગ તેની કમજોર કડી છે. તેણે કહ્યું કે અમે કામ કરી રહ્યાં છે, અમે બેટિંગની ટેકનીકમાં સુધારો કરવાની જરૂર છે. પોતાના બેટિંગ્ર ક્રમને લઇને શોએબે જણાવ્યું કે તે કોઇપણ ક્રમમાં રમવા તૈયાર છે. ટીમની સુરક્ષા અંગેના પ્રશ્નના જવાબમાં શોએબ મલિકે કહ્યું કે સુરક્ષા વ્યવસ્થાને લઇને હું ભારત સરકારને ધન્યવાદ કહું છું. સુરક્ષા વ્યવસ્થા ઘણી સારી છે. મારી પત્ની ભારતની છે, હું ઘણીવાર ભારત આવું છું પણ મેં ક્યારેય સુરક્ષા લીધી નથી.

You might also like