ગોરખપુરઃ ઓક્સિજન સિલિન્ડરમાં ભ્રષ્ટાચાર અને નિષ્કાળજીનો પર્દાફાશ

ગોરખપુર: ગોરખપુરની બાબા રાઘવદાસ (બીઆરડી) મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે થયેલાં સંખ્યાબંધ માસૂમ બાળકોનાં મોતના મામલે ગોરખપુરના કલેક્ટરે પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દીધો છે. અહેવાલો અનુસાર કલેક્ટર રાજીવ રૌતેલાએ આ ઘટના માટે ઓક્સિજન સિલિન્ડર સપ્લાય કરનાર કંપની પુષ્પા સેલ્સ અને ઓક્સિજન યુનિટના ઇન્ચાર્જ ડો.સતીશને આ લાપરવાહી અને નિષ્કાળજી માટે જવાબદાર ઠેરવ્યા છે. આ ઉપરાંત મેડિકલ કોલેેજના સસ્પેન્ડ કરવામાં આવેલ પ્રિન્સિપાલ આર.કે. મિશ્રાને પણ રિપોર્ટમાં જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે આ અંગે ડો.સતીશને લેખિત રીતે વાકેફ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે ઓક્સિજન સિલિન્ડરના પુરવઠામાં અવરોધો પેદા કર્યા હતા. ઓક્સિજન સિલિન્ડરના પુરવઠા માટે તેમની જવાબદારી હોવાથી તેઓ પણ દોષિત છે. અા ઉપરાંત સ્ટોક બુકમાં તેમણે સિલિન્ડરના પુરવઠાનો સંપૂર્ણ રેકોર્ડ પણ જાળવ્યો નહોતો. ડો.સતીશ દ્વારા સ્ટોક બુક જોવામાં પણ આવી નહોતી કે તેના પર તેમણે સહીઓ પણ કરી નહોતી. જે સતીશના પક્ષે ઘોર નિષ્કાળજી દર્શાવે છે.

કલેક્ટરના રિપોર્ટમાં ઓક્સિજન સપ્લાયર કંપનીને પેમેન્ટ નહીં થવા પાછળ નાણાકીય ગેરરીતિની ઇચ્છાનો પણ ઉલ્લેખ કર્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે કંપની પણ ઓક્સિજન સિલિન્ડરનો પુરવઠો રોકવા બદલ જવાબદાર છે. માસૂમ બાળકોની જિંદગીને જોતાં કંપનીએ ઓક્સિજન સિલિન્ડરનો સપ્લાય બંધ કરવો જોઇતો નહોતો.

દરમિયાન બુધવારે ગોરખપુરમાં બાળકોના મૃત્યુની ટ્રેજેડીને લઇને અલ્હાબાદ હાઇકોર્ટમાં એક જનહિતની અરજી પણ દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં અદાલતી તપાસ અને મૃતક બાળકોના પરિવારોને વળતર આપવાની માગણી કરવામાં આવી છે. પિટિશનમાં ડોક્ટરોની ખાનગી પ્રેકિ્ટસ પર પ્રતિબંધ મૂકવાની પણ માગણી કરાઇ છે. આ પિટિશન પર મુખ્ય ન્યાયમૂર્તિ ડી.બી. ભોંસલે અને ન્યાયમૂર્તિ એમ. કે. ગુપ્તાની બેન્ચ ૧૮ ઓગસ્ટ સુનાવણી કરશે.

You might also like