ગોરખપુરમાં બાળકોનાં મોત કેસમાં ડોક્ટર કફીલ ખાનની ધરપકડ

ગોરખપુર: ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના એન્સેફ્લાઈટિસ વોર્ડના ઈન્ચાર્જ અને આ હોસ્પિટલમાં બાળકોનાં મોતના મામલામાં આરોપી બનાવવામાં આવેલા ડો. કફીલ ખાનની આજે સવારે ઉત્તર પ્રદેશ એસટીએફ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ડો. કફીલ ખાન આ હોસ્પિટલમાં બાળ રોગ વિભાગના વડા હતા. એસટીએફ હવે ડો. કફીલ ખાનની કસ્ટડી ગોરખપુર પોલીસને સોંપશે. બીઆરડી મેડિકલ કોલેજના મામલામાં કુલ નવ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.

ડો. કફીલ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ડો. કફીલને યુપી એસટીએફને મળેલી બાતમીના આધારે તેના ઘરેથી જ ઝડપી લેવામાં આવ્યો હતો. તે છેલ્લા ૧૫ િદવસથી ફરાર હતો. ડો. કફીલ ખાન બીઆરડી હોસ્પિટલમાં એ વોર્ડનો અધિક્ષક હતો જ્યાં બાળકોનાં મોતનો સિલસિલો સતત ચાલી રહ્યો છે.

બીઆરડી હોસ્પિટલમાં ૧૦ ઓગસ્ટની રાત્રે ૩૦થી વધુ બાળકોનાં મોત થયાં હતાં. હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવને કારણે આ બાળકો મોતને ભેટ્યા હતા. આ ઘટના બાદ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ગોરખપુરની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ ડો. કફીલ ખાનની તેમના હોદ્દા પર હકાલપટ્ટી કરવામાં આવી હતી.

ડો. કફીલ ખાન સામે ખાનગી હોસ્પિટલ ચલાવવા સહિત કેટલાય ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. દરમિયાન ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજમાં બાળકોનાં મોતનું તાંડવ જારી છે. અત્યાર સુધીમાં કુલ ૩૯૯ બાળકોનાં મોત થયાં છે. ડો. કફીલ ખાન પર પોતાના ખાનગી દવાખાના માટે હોસ્પિટલમાંથી ઓક્સિજન સિલિન્ડરની ચોરી કરવાનો પણ આરોપ છે.

You might also like