નવ નાથમાંના એક ગુરુ ગોરખનાથ

ગુરુ મત્સ્યેંદ્રનાથ ફરતા ફરતા અયોધ્યાની પાસેના જયશ્રી નામના નગરમાં ગયા. ત્યાં ભિક્ષા માગતાં માગતાં એક બ્રાહ્મણને ઘેર પહોંચ્યા. બ્રાહ્મણીએ આદરપૂર્વક ભિક્ષા આપી. તેના મુખ ઉપર પાતિવ્રતનું અપૂર્વ તેજ હતું. તે જોઇ મત્સ્યેંદ્રનાથ પ્રસન્ન થયા. પરંતુ તે બાઈના ચહેરા ઉપર ઉદાસીનતાની એક ક્ષીણ રેખા જોઇ મત્સ્યેંદ્રનાથે કારણ પૂછ્યું. સંતાન ન હોવાનો ઉત્તર મળતાં મત્સ્યેંદ્રનાથે ઝોળીમાંથી ભસ્મ આપીને તે ખાઈ જવાનું કહી જતા રહ્યા. પેલી બ્રાહ્મણીની પડોશણે આ વાત સાંભળી ત્યારે કેટલોક ડર બતાવી તે ખાવાની મના કરી ને ભસ્મ એક ખાડામાં ફેંકી દીધી. બાર વર્ષ પછી ગુરુ મત્સ્યેંદ્રનાથે ફરતાં ફરતાં એ જ સ્થળે આવીને બ્રાહ્મણીને પૂછ્યું કે હવે તો તારો દીકરો બાર વર્ષનો થયો હશે. બતાવ તો ખરી કે તે ક્યાં છે ? આ સાંભળી પેલી બાઈ ગભરાઈ ગઈ અને સર્વ હકીકત જણાવી દીધી.
મત્સ્યેંદ્રનાથે પેલા રાખ નાખેલા ખાડા પાસે જઈ અલખ શબ્દનો પોકાર કર્યો તો તેમાંથી બાર વર્ષનો એક તેજ:પુંજ બાળક પ્રગટ થયો. આ બાળક આગળ જતાં ગોરખનાથના નામથી પ્રસિદ્ધ થયો. મત્સ્યેંદ્રનાથે તે સમયથી બાળકને સાથે રાખીને યોગની પૂરી શિક્ષા દીધી. ગોરખનાથે ગુરુએ ઉપદેશેલા માર્ગની પૂરી સાધના કરી તથા સ્વાનુભવથી યોગમાર્ગમાં પણ સારી ઉન્નતિ કરી. યોગસાધન તથા વૈરાગ્યમાં તે ગુરુથી પણ આગળ વધી ગયા તથા યોગબળથી તેણે ચિરંજીવ સ્થિતિ પ્રાપ્ત કરી. ગોરખનાથ મહાન યોગી હોવા ઉપરાંત પ્રસિદ્ધ વિદ્વાન અને કવિ પણ હતા. તેમના બનાવેલા ગોરક્ષકલ્પ, ગોરક્ષગીતા, ગોરક્ષસંહિતા, ગોરક્ષસહસ્ત્રનામ, ગોરક્ષશતક, ગોરક્ષપિષ્ટિકા, વિવેકમાર્તંડ વગેરે અનેક ગ્રંથ સંસ્કૃત ભાષામાં મળે છે. હિંદીમાં પણ એમની ઘણી કવિતાં મળે છે. મત્સ્યેંદ્રનાથની માફક ગોરક્ષનાથને પણ નેપાળના લોકો આદરથી જુએ છે અને એને પશુપતિનાથનો અવતાર માને છે. ભોગમતી, ભાતગામ, મૃગસ્થળી, ચૌધરા, સ્વારીકોટ, પિડઠાન વગેરે સ્થળે તેમના યોગાશ્રમો છે. આજ પણ નેપાળ રાજ્યની મુદ્રા ઉપર એક બાજુ શ્રીશ્રીશ્રીગોરખનાથ લખેલ છે. ગોરખનાથના શિષ્યો હોવાથી નેપાળીઓ ગોરખા કહેવાય છે. ગોરખપુરમાં તેમણે તપસ્યા કરી હતી તેથી ત્યાં તેનું બહુ મોટું મંદિર બંધાયું છે. ત્યાં દૂર દૂરથી ઘણા નેપાળીઓ યાત્રા કરવા આવે છે. ગોંડા જિલ્લાના પાઠેશ્વરી નામના સ્થાનમાં પણ તેમનો યોગાશ્રમ છે અને મહારાષ્ટ્રમાં ઓઢ્યા નાગનાથની પાસે એમની તપસ્થળી છે. તે ઈ. સ. ૧૨૦૦માં થઈ ગયા. તેણે ગોરખપુરમાં મઠ સ્થાપ્યો હતો અને ત્યાં જ તેનું અવસાન થયું હતું. કોઈ તેમને પંદરમાં સૈકામાં થઈ ગયા હોવાનું પણ માને છે.•

You might also like