ગોપી અન્નક્ષેત્ર સામે મ્યુનિ. કોર્પોરેશન લાચાર

અમદાવાદ: નવા વાડજમાં ગેરકાયદે ધમધમતા ગોપી અન્નક્ષેત્રના મામલે મ્યુનિ. કોર્પોરેશન લાચારી અનુભવી રહ્યું છે, કેમ કે રેલવે પ્રિમાઇસીસ વિસ્તારમાં ગોપી અન્નક્ષેત્ર ધમધમતું હોઇ મીઠાઇ-ફરસાણના વેચાણ માટે ઊભા કરાયેલા ગેરકાયદે શેડને તંત્ર ધરાશાયી કરી શકતું નથી. બીજી તરફ રેલવેતંત્રના ગોપી અન્ન ક્ષેત્ર પર ચાર હાથ છે.

ગોપી અન્નક્ષેત્રના સંચાલકોએ મંદિર પરિસરમાં મીઠાઇ-ફરસાણનું ઉત્પાદન કરવા લીધું છે. આ વસ્તુઓના વેચાણ માટે શેડ ઊભો કરાયો છે, પરંતુ પશ્ચિમ ઝોનનો એસ્ટેટ વિભાગ આ શેડ તોડવાની સત્તા ધરાવતો નથી.  એસ્ટેટ વિભાગ દ્વારા પંદરેક દિવસ પહેલાં ચૂંટાયેલી પાંખની ઉગ્ર રજૂઆતના પગલે ગોપી અન્નક્ષેત્રનાં પાણી-ગટરનાં કનેક્શન કાપી નખાયાં હતાં, જેના કારણે ગોપી અન્નક્ષેત્રના સંચાલકો કમિશનર મૂકેશકુમાર અને સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણ પટેલને ફરિયાદ કરવા દોડી ગયા હતા, પરંતુ તંત્ર કે શાસક પક્ષે મચક ન આપતાં અંદરખાનેથી અન્ય પ્રકારની રમતો શરૂ થઇ ગઇ હતી.

જોકે ગોપી અન્નક્ષેત્રના મામલે સત્તાવાળાઓ વધુ કડક બનતાં ગુરુવારની રાત્રે હેલ્થ વિભાગે ત્રાટકીને ગોપી અન્નક્ષેત્રની દુકાનોને તાળાં મારી દીધાં હતાં. હવે તેના વીજળીનાં જોડાણ કાપવા માટેની કવાયત હાથ ધરાઇ છે. આનાથી વિશેષ કડક કાર્યવાહી કરવા વહીવટીતંત્ર લાચારી અનુભવી રહ્યું છે.

મ્યુનિ. વર્તુળો કહે છે, રેલવે પ્રિમાઇસીસમાં ગોપી અન્નક્ષેત્ર ચાલતું હોઇ તંત્ર પાસે સત્તા નથી, જોકે રેલવે સત્તાવાળાઓને ગોપી અન્નક્ષેત્ર વિરુદ્ધ પગલાં ભરવા કોર્પોરેશન સત્તાવાર રીતે જણાવી ચૂક્યું છે. તેમ છતાં રેલવે સત્તાવાળાઓની કૂણી લાગણીના કારણે ગોપી અન્નક્ષેત્રનો વાળેય વાંકો થતો નથી.

દરમિયાન પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના જનસંપર્ક અધિકારી પ્રદીપ વર્માનો સંપર્ક કરતાં તેઓ કહે છે ગોપી ક્ષેત્ર અમદાવાદ ડિવિઝન કે ભાવનગર ડિવિઝનની હદ વિસ્તારમાં છે તેની તપાસ કરાઇને યોગ્ય કાર્યવાહી કરાશે.

You might also like