આવી રહી છે ગૂગલની નવી ઓપરેટિંગ સિસ્ટમ ‘ફુશિયા’: એન્ડ્રોઇડનો દબદબો ભૂતકાળ બનશે

મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ ( ઓએસ )માં હાલ માત્ર ગૂગલના એન્ડ્રોઇડ અને એપલના આઇઓએસનો દબદબો છે.માઇક્રોસોફટે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ સાથે મોબાઇલ લોન્ચ કર્યા હતા પરંતુ લોકોએ તે નહીં સ્વીકારતાં તે હવે ભૂતકાળની બની ગયા છે.એપલ સિવાય તમામ મોબાઇલ ફોનની કંપનીઓ તેમના મોબાઇલમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરે છે.

એપલે તેનો પહેલો સ્માર્ટફોન લોન્ચ કર્યો ત્યારથી તેની આઇઓએસ ઓપરેટિંગ સિસ્ટમ વધુ ફાસ્ટ,સિકયોર અને ઇનોવેટિવ ગણાતી આવી છે.જોકે છેલ્લાં બે ત્રણ વર્ષથી ગૂગલે પણ એન્ડ્રોઇડમાં ધરખમ ફેરફારો કર્યા છે. હવે ગૂગલ એક નવી ઓપરેટિંગ સિસ્ટમ ફુશિયા લોન્ચ કરવા તરફ આગળ વધી રહ્યું છે. એવું મનાઇ રહ્યું છે કે નજીકના ભવિષ્યમાં તે એન્ડ્રોઇડ અને ક્રેમની જગ્યા લેશે.

ગૂગલ દ્વારા ફુશિયા ઓપરેટિંગ સિસ્ટમ એવી રીતે ડેવલપ કરાઇ રહી છે કે તે સ્માર્ટફોન,ટેબ્લેટ,લેપટોપ અને પીસીમાં એક સરખી રીતે કામ કરશે. વળી આ તમામ ગેઝેટસ એકબીજા સાથે આસાનીથી કનેકટ પણ થઇ શકશે. આમ તે ગૂગલ છેક ૨૦૧૬થી તેના પર કામ કરે છે.

પરંતુ હવે તેના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે.અલબત્ત ગૂગલે તેના અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. ગૂગલ અત્યારે તો એન્ડ્રોઇડની નવાં વર્ઝન ૧૦ પર કામ કરી રહ્યું છે તેનું પ્રથમ બેટા વર્ઝન પણ લોન્ચ કરી દીધું છે.તેનું ફાઇનલ અને સ્ટેબલ વર્ઝન આગામી ઓગ્સ્ટમાં લોન્ચ થશે. ચીનની જાયન્ટ કંપની હુઆવેએ તેની સબ બ્રાન્ડ ઓનરના મોબાઇલ પર ફુશિયા ઓપરેટિંગ સિસ્ટમનું પરીક્ષણ ગત નવેમ્બરમાં શરુ કર્યું હતું.

ગૂગલ નેકસ્ટ જનરેશનના સ્ર્માર્ટ ફોન માટે ફુશિયા ઓએસ ડેવલપ કરી રહી છે. જેની સત્તાવાર જાહેરાત કરાઇ ન હતી.પરંતું હુઆવેના એક એન્જિનિયરે તેની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમની કંપનીનાં વિવિધ મોડલમાં ફુશિયાનું ટેસ્ટિંગ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે એન્ડ્રોઇડ લિન્ક બેઝ ઓએસ છે તો ફુશિયા જિરકોન કોર પ્લેટફોર્મ પર ડેવલપ કરાઇ છે. ફુશિયા નામ થોડું વિચિત્ર અને જાપાનીઝ લાગે તેવું છે.

પરંતુ ફુશિયા એક જાતનું ફૂલ છે. ડબલ કલરનું આ અત્યંત રંગીન ફૂલ અમેરિકા અને ન્યુઝિલેન્ડમાં થાય છે. કેટલાકના મતે ફુશિયામાં અત્યારે એન્ડ્રોઇડમાં ઉપલબ્ધ તમામ મહત્વના ફીચર ઉપરાંત કેટલાંક એવાં ફીચર્સ પણ હશે જે મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમને એક અલગ લેવલ પર લઇ જશે. ગુગલ અને એપલ તેમના ઓએસમાં સિકયોરિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઇ પર ખાસ ધ્યાન આપી રહ્યા છે.

ફુશિયા પણ એઆઇ આધારિત ઓએસ હશે. ગૂગલના ૧૦૦ જેટલા નિષ્ણાતોની ખાસ ટીમ ફુશિયા પર કામ કરી રહી છે અને એવું મનાય છે કે નજીકના ભવિષ્યમાં ફુશિયા એન્ડ્રોઇડ ક્રોમ ઓએસનું સ્થાન લઇ શકે છે. ફુશિયા ઓએસની બહાર આવેલી કેટલીક વિગતો તેમજ સ્ક્રિન શોટ દર્શાવે છે કે તેમાં એકસાથે ચાર એપ ઓપરેટ કરી શકાશે. તેના યુઝર ઇન્ટરફેસને આર્માડિલો નામ આપવામાં આવ્યું છે.

કમ્પ્યુટર હાર્ડવેર અને સ્માર્ટફોનના નિષ્ણાતોનું કહેવું છે કે ફુશિયા ડેવલપ કરીને ગૂગલ હવે લિન્ક પ્લેટફોર્મને ધીમેધીમે બાય બાય કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. પ્રારંભમાં ફુશિયા ખાસ કરીને પાવરફુલ પ્રોસેસર ધરાવતા મોબાઇલ,ટેબ્લેટ,લેપટોપ અને પીસી માટે તૈયાર કરાશે.એન્ડ્રોઇડ માટે એપ તૈયાર કરનાર ડેવલપર્સ કાયમ ફરિયાદ કરતા હોય છે કે એન્ડ્રોઇડનું હાલનું પ્લેટફોર્મ ખાસ્સું જટિલ છે.

જેના કારણે ઘણી મુશકેલી પડે છે.જોકે ફુશિયા તેની સરખામણીમાં સરળ હશે. એપ ડેવલપમેન્ટ પણ વધારે સારી રીતે થઇ શકશે. જોકે ફુશિયા એન્ડ્રોઇડનું સ્થાન કયારે લેશે તે કહેવું હાલ મુશ્કેલ છે. આ ઓએસ સાથે સંકળાયેલી ગુગલની ટીમના કેટલાક કહે છે કે ભવિષ્યમાં ફુશિયા ગૂગલની એકમાત્ર ઓએસ હશે. જોકે ગૂગલના સંચાલકો તેને હાલ એક પ્રયોગ ગણાવી રહ્યા છે. બીજી બાજુ જાણકાર સૂત્રો કહે છે કે ફુશિયાથી ચાલતા ડિવાઇસ બહુ નજીકના ભવિષ્યમાં જોવા મળી શકે છે.•

You might also like