બાળકોને હિંદી-અંગ્રેજી શીખવવા માટે ગૂગલે લોન્ચ કરી બોલો એપ

(એજન્સી)નવી દિલ્હી: ગૂગલે થોડા દિવસ પહેલાં નવી એપ બોલો લોન્ચ કરી છે. આ એપ પ્રાથમિક વિદ્યાલયોનાં બાળકોને હિંદી અને અંગ્રેજી શીખવવામાં મદદ કરશે. કંપનીએ કહ્યું કે આ એપ અવાજ ઓળખવાની ટેકનિક અને ટેકસ્ટ ટુ સ્પીચ ટેકનિક પર આધારિત છે. સંપૂર્ણ રીતે નિઃશુલ્ક આ એપને સૌથી પહેલાં ભારતમાં લોન્ચ કરાઇ છે.

કંપનીએ જણાવ્યું કે આ એક એમિનેટેડ પાત્ર છે જે બાળકોને મોટા અવાજે કહાણીઓ વાંચવા માટે પ્રોત્સાહિત કરે છે અને કોઇ પણ શબ્દના ઉચ્ચારણમાં સમસ્યા આવે તો મદદ પણ કરે છે. તે કહાણી પૂરી કરવા પર બાળકોનું મનોબળ પણ વધારે છે.

ગૂગલ ઇન્ડિયાના પ્રોડકટ મેનેજર નીતિન કશ્યપે કહ્યું કે અમે આ એપને એવી રીતે ડિઝાઇન કરી છે કે તે ઓફ લાઇન પણ કામ કરી શકશે. તેનો પ્રયોગ કરવા માટે પ૦ એમબીની આ એપને પોતાના મોબાઇલમાં ઇન્સ્ટોલ કરવી પડશે. તેમાં હિંદી અને અંગ્રેજીની ૧૦૦ જેટલી સ્ટોરી છે.

આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે અને તે એન્ડ્રોઇડ ૪.૪ (કિટકેટ) અને તેની પછીની તમામ એડિશનવાળા ડિવાઇસ પર ચાલી શકે છે. કશ્યપે જણાવ્યું કે ગૂગલે આ એપનું ઉત્તર પ્રદેશના લગભગ ર૦૦ ગામડાંઓમાં પરીક્ષણ કર્યું છે. તેના ઉત્સાહજનક પરિણામ બાદ એપ રજૂ કરાઇ છે.

You might also like