હેકિંગનો શિકાર બન્યા ગૂગલના CEO સુંદર પિચાઇ

જો ક્રાઉડ સોર્સ્ડ આંસર સાઇટ કોરા(Quora)માં તમારું એકાઉન્ટ હોય તો તરત જ પાસવર્ડ બદલી નાંખો. હેકર્સના એક ગ્રુપે ગૂગલના સીઇઓ સુંદર પિચાઇનું કોરા અકાઉન્ટ હેક કર્યું હોવાનો દાવો કર્યો છે. OurMine નામના આ ગ્રુપે આ મહિનામાં જ ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગનું ટ્વિટર અને પિન્ટેરેસ્ટ એકાઉન્ટ્સ હેક કર્યું હોવાનો પણ દાવો કર્યો હતો.

OurMine હેકિંગ ટીમ પિચાઇના ટ્વિટર એકાઉન્ટ દ્વારા કોરા પર નકલી પોસ્ટ્સ નાંખવામાં સફળતા મળી. આ સ્વિટર એકાઉન્ટ કોરાની સાથે લિંક થયું હતું. હેકર્સની ટીમે સોમવારે આ વાતનું એલાન કર્યું અને કહ્યું કે ગૂગલના સીઇઓની સિક્યોરિટી ઘણી નબળી હતી. હલમાં તો પિચાઇનું કોરા અને ટ્વિટર એકાઉન્ટ બરાબર જોવા મળી રહ્યું છે અને જોઇને લાગતું નથી કે આવા પ્રકારની કોઇ ઘટના બની હોય. પરંતુ OurMineએ ટ્વિટર પ્રોફાઇલનો તે સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં છેડછાડ થઇ હોવાનું જાણવા મળ્યું છે.

હેકર્સે જણાવ્યું કે તેમને પિચાઇના કોરા એકાઉન્ટનું એક્સેસ આ પ્લેટફોર્મની ખામીના કારણે મળ્યું છે. હેકર્સ ગ્રુપનુ કહેવું છે કે આ બાબતે કોરાને જાણકારી આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઇ જવાબ મળ્યો નથી.

હકીકતમાં OurMine હેકિંગ ગ્રુપ પોતાને સિક્યોરિટી ફર્મ તરીકે દર્શાવવા માંગતું હતું. તેને તેની સાઇટ ઉપર એવી સર્વિસ નાંખી છે, જેનાથી વેબસાઇટ, સોશિયલ મિડીયા એકાઉન્ટ્સ અને કંપનીઓની સિક્યોરિટીમાં રહેલી ખામીને સ્કેન કરી શકાય છે.

નોંધનીય છે કે ફેસબુકની સીઇઓ ઉપરાંત હેકર્સના આ ગ્રુપે ટ્વિટરના કો ફાઉન્ડર ઇવાન વિલિયમ્સ અને સ્પોટિફાઇના સીઇઓ ડેનિયર એકનું ટ્વિટર એકાઉન્ટ હેક કરી લીધું હતું.

You might also like