ડાયાબિટીસના દર્દીઓ માટે ગુડ ન્યૂઝ ઈન્સ્યુલિન માટે આવશે ઈન્હેલર

નવી દિલ્હી: આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ છે. આજના િદવસે ડાયાબિટીસના દર્દીઓ માટે થોડા રાહતના સમાચાર છે. દેશમાં ડાયાબિટીસના દર્દીઓના ઈલાજ માટે ઈન્સ્યુલિનના ઈન્હેલરની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થશે. આશા છે કે ખૂબ જ જલદી કેન્દ્ર સરકારના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન પાસેથી ઈન્સ્યુલિનના ઈન્હેલરની ટ્રાયલ શરૂ કરવાની સ્વીકૃતિ મળી જશે. એમ્સના એક ડોક્ટરે જણાવ્યું કે આ મુદ્દે ગંભીરતાથી વિચાર ચાલી રહ્યો છે અને પરીક્ષણ શરૂ કરવા પર પણ સહમતિ બની ચૂકી છે.

ઈન્હેલર આવવાથી ડાયાબિટીસના દર્દીઓને ઈન્સ્યુલિન લેવા માટે વારંવાર ઈન્જેકશન લેવાની જરૂર નહીં પડે. દર્દમાંથી રાહત પણ મળશે. ડાયાબિટીસના દર્દીઓ અસ્થમાના દર્દીઓની જેમ મોંથી ઈન્સ્યુલિનનું ઈન્હેલર લઈ શકશે. ભારતના ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ડો. જી.એન. સિંહે આની પુષ્ટિ કરતાં કહ્યું કે આ મુદ્દે પ્રાયોરિટીમાં વિચાર ચાલી રહ્યો છે. ડાયાબિટીસની બીમારી સમગ્ર દેશમાં મોટી સમસ્યા બની ચૂકી છે. યુવાનો પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. દેશમાં લગભગ ૬.૫૦ લોકો ડાયાબિટીસથી પીડાય છે. ડાયાબિટીસ ટાઈપ-૧ના દર્દીઓએ નિયમિત ઈન્સ્યુલિનનું ઈન્જેકશન લેવું પડે છે. આ ઉપરાંત ડાયાબિટીસ ટાઈપ-૨થી પીડિત એ દર્દીઓએ પણ ઈન્જેકશન લેવું પડે છે જે અનિયંત્રિત ડાયાબિટીસથી પીડાય છે.

ઘણા દર્દીઓએ દિવસમાં બે વાર પણ ઈન્જેકશન લેવું પડે છે. આ કારણે આ દર્દીઓ ઈન્જેકશનનું પેઈન સહન કરવા મજબૂર બને છે. સાથે સાથે ઈન્ફેકશન થવાનો ડર પણ રહે છે. આના કારણે ઈન્જેકશન અને ઈન્સ્યુલિનના એવા વિકલ્પ શોધવામાં આવી રહ્યા છે. જેથી દર્દીઓને વધુ પરેશાની ન થાય. એમ્સના એક ડોક્ટરો જણાવ્યું કે અમેરિકામાં ઈન્સ્યુલિન ઈન્હેલર દોઢ વર્ષથી ઉપલબ્ધ છે. ત્યાં તેની ટ્રાયલ પણ સફળ રહી છે. ત્યાર બાદ ઈન્હેલર બનાવનારી કંપનીએ ભારતમાં પણ ટ્રાયલ શરૂ કરવા માટે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેઝાઈનેશનમાં અરજી કરી છે. આની ઉપર વિચાર માટે ડ્રગ્સ કન્ટ્રોલરે નિષ્ણાતોની એક કમિટી બનાવી છે. આ કમિટીના નિષ્ણાતોએ સકારાત્મક અભિપ્રાય આપ્યા છે.

You might also like