વાહનોમાં પસંદગીના નંબરો મેળવવાનો ક્રેઝ વધતો જાય છે ગોંડલના રાજવી પરિવારના યુવરાજ હિમાંશુસિંહ જાડેજાએ નવી ખરીદેલી મર્સિડીઝ બેન્ઝ કાર માટે પસંદગીનો નંબર મેળવવા રાજકોટ આરટીઓમાં ટેન્ડર ભર્યું હતું. આરટીઓ દ્વારા સિરીઝ જીજે ૩ જેસી માટે પસંદગીના નંબરો માટે ટેન્ડરો મગાવાયાં હતાં. કુલ ર૪૮ ટેન્ડરોમાંથી સૌથી ઊંચું રૂપિયા ૪.પ૦ લાખનું ટેન્ડર ગોંડલના યુવરાજ હિમાંશુસિંહે ૧ નંબર મેળવવા માટે ભર્યું હતું. સૌરાષ્ટ્રમાં કોઈ રાજવીએ કારનો પસંદગીનો નંબર મેળવવા લાખો રૂપિયા ચૂકવ્યા હોય તેવો કદાચ આ પ્રથમ કિસ્સો હશે.
રાજાશાહીના સમયે સૌરાષ્ટ્રમાં ગોંડલ ‘એ’ ગ્રેડનું રાજ્ય હતું. ગોંડલના રાજવી પરિવારનો એન્ટિક કાર પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. રાજવી પરિવાર પાસે આજેય દુર્લભ કહી શકાય તેવી કાર સચવાયેલી છે. રાજવી પરિવારના જ્યોતિન્દ્રસિંહ અને તેમના પુત્ર હિમાંશુસિંહને કાર ચલાવવાનો પણ ગજબનો શોખ છે. તેઓ અનેક કારરેસમાં ભાગ લઈ ચૂક્યા છે.
યુવરાજ હિમાંશુસિંહ કારમાં મનગમતો નંબર રાખવાના પણ શોખીન છે. આથી પોતાની નવી કાર માટે ૧ નંબર મેળવવા તેમણે લાખો રૂપિયા ખર્ચ્યા છે. રાજકોટ આરટીઓને આ નવી સિરીઝમાં પસંદગીના નંબરની ફાળવણીમાં ર૯ લાખ જેટલી આવક થઈ હતી. સિરીઝમાં ૯૯૯૯ નંબર મેળવવા માટે અન્ય એક પાર્ટીએ રૂ. ર.પર લાખ ચૂકવ્યા હતા.