ગોંડલના શિવરાજગઢના પ્રૌઢનું કોંગો ફિવરથી મોત

અમદાવાદ : ગોંડલ તાલુકાના શિવરાજગઢમાં ભરવાડ પ્રૌઢનું કોંગો ફિવરથી મોત થતાં અરેરાટી પ્રસરી ગઇ છે. કોંગો ફિવરના લક્ષણો જણાતા શિવરાજગઢના પ્રૌઢને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સારવાર આપ્યા બાદ અમદાવાદ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે આજે અંતિમ શ્વાસ લેતાં ભરવાડ પરિવારમાં અરેરાટી પ્રસરી ઘઇ છે.

આ અંગે ગિરીરાજ હોસ્પિટલમાં ડૉ. મયંક ઠક્કરે જણાવ્યું હતું કે, શિવરાજગઢના સોમાભાઇ હમજીભાઇ માટિયા (ભરવાડ)ને કોંગો ફિવરના લક્ષણો જણાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના સેમ્પલ રિપોર્ટ અર્થે લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને વધુ સારવારની જરૂર લાગતા અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. સોમાભાઇ માટિયાનો કોંગો ફિવરનો રિપોર્ટ આજે સવારે આવ્યો છે અન તે પોઝિટિવ છે.

કોંગો ફિવરની ચર્ચા વચ્ચે શિવરાજગઢમાં આરોગ્ય ટીમોએ ધામા નાખ્યા છે અને ઘેર ઘેર ફરીને સર્વે તેમજ દવાનો છંટકાવ અને દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં કોંગો ફિવરના અનેક કેસો નોંધાયા હતા.

જેમાં લગભગ ૧૦ વ્યક્તિઓનો ભોગ લેવાયો હતો. રાજકોટ જિલ્લામાં કોંગો ફિવરનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય ટીમો દ્વારા દોડધામ શરૂ કરવામાં આવી છે અને શંકાસ્પદ દર્દીઓની તપાસ અને લોહીના નમૂના લેવામાં આવ્યા છે.

You might also like