રાજાશાહી માટે પ્રખ્યાત ગોંડલ રાજવાડી મામલે કુખ્યાત બન્યું.!

રજવાડા ગયા પછી છેલ્લા થોડા દસકામાં સૌરાષ્ટ્રનાં આ લાખેણાં શહેરને જાણે કોઈની નજર લાગી હોય તેમ ગુનાખોરી માટે આ શહેર બદનામ થઈ ચૂકયું છે. ગોંડલમાં ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાની જાહેરમાં હત્યા થઈ હતી ત્યારબાદ હત્યા જેવા ભારે ગુનાઓનો સિલસિલો જારી રહેતા ગોંડલ ગુનાખોરી માટે કુખ્યાત બન્યું છે. રાજાશાહી માટે પ્રખ્યાત ગોંડલ રાજવાડી માટે જાણે દસકાઓ સુધી કુખ્યાત રહ્યું છે. રાજવાડીની જમીનને લઈને થયેલા નિલેષ રૈયાણી હત્યા કેસમાં ગોંડલ ભાજપનાં ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ત્રણને આજીવન કેદની સજા ફટકારતા રાજવાડી ફરી એક વાર ચર્ચામાં આવી છે.

ગોંડલની નજીક જ આવેલી રાજવાડીના જમીનનાં વિવાદમાં ત્રણ – ત્રણ હત્યાઓ થઈ ચૂકી છે. બે જૂથ વચ્ચે આ રાજવાડીની જમીનને લઈને વટ , વેર અને વર્ચસ્વની લડાઈમાં ખૂબ રાજકીય અને કાનૂની દાવપેચ લડવામાં આવ્યા. રાજવાડીનો વિવાદ દાયકાઓથી ગોંડલ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે રાજવાડીના પ્રકરણ પર એક નજર કરીએ તો રાજાશાહીના સમયમાં રાજવી પરિવારનો આ વાડી પ્રત્યે ખૂબ લગાવ હતો. શહેરની નજીક મોકાની આ જગ્યા હતી. સ્થાનિક કેટલાક આગેવાનો તો કહે છે, રાજવી ભગવતસિંહજી તો રાજવાડીની આ જમીન પર ગોંડલ સ્ટેટની કચેરીઓ માટે સચિવાલય બનાવવાની ઈચ્છા ધરાવતા હતા. પણ તેમનું આ સપનું સાકાર ન થયું. રાજાશાહીનો યુગ પૂરો થયો પણ આ જમીન રાજવી પરિવાર પાસે રહી હતી. કોટડા રોડ પર આવેલી આશરે ૩પ એકર જેટલી જમીન રાજવાડી તરીકે જાણીતી બની હતી. લાખો – કરોડોની કિંમતની આ રાજવાડીની જમીન પર વર્ચસ્વની લડાઈ પણ શરૂ થઈ હતી.

એવું કહેવાય છે કે આ જમીનને રાજવી પરિવારે સ્થાનિક કોઈને વેચી દીધી હતી. પણ તેના પર કબ્જો બીજાનો હતો. સોનાની લગડી જેવી આ રાજવાડી પર વર્ચસ્વ જમાવવા કાવાદાવાઓ શરૂ થયા અને જમીનના આ ઝગડામાં સૌ પહેલા વર્ષ ર૦૦૩માં વિક્રમસિંહ રાણાની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની ઘટનાએ ક્ષત્રિય સમાજને ભારે આંચકો આપ્યો હતો. ખૂન કા બદલા ખૂન. વિક્રમસિંહની હત્યાનું વેર વાળવા કેટલાક લોકો સક્રિય થયા અને તા.૮ ફેબ્રુઆરી ર૦૦૪નાં રોજ રાતે ગોંડલના જેસિંગ કાળા ચોકમાંથી જીપમાં નિલેષ રૈયાણી, જયેશ સાટોડિયા અને રામજી મારકણા પસાર થઈ રહ્યા હતા ત્યારે તેનો પીછો કરીને ફાયરિંગ કરાયું તેમાં નિલેષ રૈયાણીની હત્યા થઈ. આમ રાજવાડીના જમીનના ડખ્ખામાં આ બીજી હત્યા થઈ હતી. નિલેષ રૈયાણીની હત્યાની ઘટનામાં ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ૧૬ સામે ગુનો નોંધાયો હતો. નિલેષ રૈયાણીની હત્યાની ઘટનાએ ગોંડલ પંથકમાં ક્ષત્રિય અને પટેલ સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું કર્યુ હતું. સામાજિક અને રાજકીય રીતે તેની અસરો ઉભી થઈ હતી. રાજવાડીની જમીનનાં વિવાદમાં અને વેરની વસૂલાતની આગમાં થોડા જ મહિનામાં રાજકોટમાં યુવા ભાજપનાં આગેવાન એવા વિનુ શિંગાળાની હત્યા થઈ હતી. આમ રાજવાડીના વિવાદમાં ત્રણ – ત્રણ લોથ ઢળી છે. રાજવાડીના વિવાદમાં ત્રણ – ત્રણ હત્યા થતા સૌરાષ્ટ્રમાં ભારે ચકચાર જાગી હતી. જો કે સમય જતા સમાધાન થયું અને રાજવાડીની આ જમીન હાલ ગોંડલના જાણીતા સ્વામિનારાયણ મંદિરને સોંપી દેવામાં આવી છે.

જયરાજસિંહ જાડેજાને અગાઉ રાજકોટ સેશન્સ કોર્ટે તેમને નિર્દોર્ષ જાહેર કર્યા હતા. આ કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. તા. ૧૧ ઑગસ્ટ ર૦૧૭નાં રોજ હાઈકોર્ટે ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અમરજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ રાણાને આજીવન કેદની સજા ફટકારતા ફરી વખત આ કેસ અને રાજવાડી બંને ચર્ચામાં આવ્યા છે. જયરાજસિંહ ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. જયરાજસિંહને ૪પ દિવસમાં કોર્ટમાં સરેન્ડર કરવા માટેની મુદત અપાઈ છે. તેમની પાસે હજુ સુપ્રીમમાં જવાનો વિકલ્પ ખુલ્લો છે.

-દેવેન્દ્ર જાની

You might also like