ગોંડલમાં ગેંગવોર બાદ ભયનો માહોલઃ બજારો, યાર્ડ, શાળાઓ બંધ

અમદાવાદ: ગોંડલના ચોરડી દરવાજા નજીક મોડી રાતે થયેલી ગેંગવોરમાં અંધાધૂંધ ગોળીબાર બાદ બોથડ પદાર્થના ઘા ઝીંકી એક યુવાનની હત્યા કરવામાં અાવતાં લોકોનો અાક્રોશ ફાટી નીકળ્યો છે અને અાખા ગોંડલમાં ભયનો માહોલ સર્જાયો છે. અા ઘટનાને પગલે અાજે અપાયેલા ગોંડલ બંધના એલાન દરમિયાન મોટાભાગના બજારો, માર્કેટિંગ યાર્ડ તેમજ શાળા-કોલેજો બંધ રહ્યા હોવાનું જાણવા મળે છે.

ગઈ રાતે દસ વાગ્યાના સુમારે ચોરડી દરવાજા નજીક ઝાઈલો કારમાં અાવેલા કેટલાક તોફાની તત્ત્વોએ એક મુસ્લિમ યુવાન સાથે ઝઘડો કરી માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઝઘડા દરમિયાન અંધાધૂંધ ગોળીબાર કરી અા શખસો ફરાર થઈ ગયા હતા. અા ઘટના બાદ સામેનો જૂથ પણ હથિયારો સાથે વાહનો ઉપર નીકળી પડતાં ચોરડી દરવાજાથી ત્રણ ખૂણિયા સુધીનો વિસ્તારમાં ભયનો માહોલ ઊભો થયો હતો. અા વખતે ટોળાએ બોથડ પદાર્થના ઘા ઝિંકી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો વ્યવસાય કરતાં સંજય ભાદાણી નામના યુવાનની હત્યા કરતા મામલો વધુ તંગ બન્યો હતો.

બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે પહોંચી કારમાં નાસી છૂટેલ અારોપીઓને પકડી પાડવા નાકાબંધી કરી સઘન વાહન ચેકિંગ શરૂ કરી દીધું હતું પરંતુ અારોપીઓ હાથમાં અાવ્યા ન હતા. અા ઘટનાના વિરોધમાં અાજે ગોંડલ બંધનું એલાન કરવામાં અાવતા ગોંડલના મોટા ભાગના બજારો, માર્કેટિંગ યાર્ડ અને શાળા બંધ રહ્યા હતા અને જ્યાં સુધી અારોપી ન પકડાય ત્યાં સુધી માર્યા ગયેલા યુવાનનો મૃતદેહ સ્વીકારવાનો તેના પરિવારજનોએ ઈન્કાર કર્યો હતો. રાતની ગેંગવોરની ઘટનાથી ગોંડલ શહેરમાં અજંપાભરી સ્થિતિ ઊભી થઈ છે.

You might also like