ગોમતીપુરમાં ભાંગફોડિયાં તત્ત્વોએ વાતાવરણ ડહોળવા પથ્થરમારો કર્યો

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાંગફોડિયાં તત્ત્વો યેનકેનપ્રકારેણ મામલે શાંતિ ડોહળવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગઇ કાલે ગોમતીપુર વિસ્તારમાં કોમી જૂથ અથડામણ થતાં સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. પોલીસના કાફલાએ સમયસર ઘટના સ્થળે પહોચી જઇને ઉશ્કેરાયેલા ટોળાંને વેરવિખેર કર્યું હતું અને સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

ગોમતીપુરમાં નાના મોટા વણકર વાસ પાસે મોડી રાતે હિંદુ મુસ્લિમ કોમના ટોળાં વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર થૂંકવા બાબતે બે યુવકો વચ્ચે બોલાચાલી થઇ હતી જેમાં મામલો એ હદે બીચક્યો કે તોફાની ટોળાંઓએ વાતાવરણ ડોહળવાની કોશિશ કરી હતી. બે કોમના અંદાજે ૧૦૦ કરતા વધુ લોકો સામાસામે આવી ગયા હતા અને ભારે પથ્થમારો કર્યો હતો.

વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ દિવસ બાકી છે ત્યારે ગોમતીપુર વિસ્તારમાં થયેલી કોમી જૂથ અથડામણના ધેરા પ્રત્યાધાત ના પડે તે માટે મોડી રાતે ગોમતીપુર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઉશ્કેરાયેલા ટોળાંને વેરવિખેર કરીને સમગ્ર વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ગોમતીપુર પોલીસે બંને પક્ષોના થઇને અંદાજે ૧૦૦ કરતાં વધુ લોકો વિરુદ્ધમાં રાયોટિંગનો ગુનો દાખલ કરીને ૧૦ લોકોની ધરપકડ કરી છે.

You might also like