ગોમતીપુરમાં લોકોને ઠગતા ચોસઠ જોગણીના ભૂવાનો ભાંડો ફૂટ્યો

અમદાવાદ: શહેરના ગોમતીપુર વિસ્તારમાં માતાજીનાે ભૂવાે બનીને ભોગ બનનાર પાસે હજારો રૂપિયા ખંખેરતા ઢોંગીનો પર્દાફાશ પોલીસ અને એનજીઓએ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. રાજકોટમાં રહેતી એક મહિલાની પુત્રીને તેડવા માટે સાસરી પક્ષ આવશે તેવું કહીને વિધિના બહાને 11 હજાર રૂપિયા ભૂવાએ ખંખેરી લીધા હતા.

રાજકોટમાં આવેલ આંબેડકરનગર શેરીમાં રહેતાં ભાનુબહેન મનસુખભાઇ ગોહિલે માતાજીના ભૂવા વિરુદ્ધમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ભાનુબહેનની નાની પુત્રી કિંજલનાં ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં. લગ્ન બાદ તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો. કિંજલને પતિ સાથે બનતું ના હોવાથી તે રિસાઇને પિયર આવી ગઇ હતી. આ મામલે ભાનુબહેને તેમની બહેન સંતોષબહેનને કિંજલના પ્રોબ્લેમ અંગેની વાત કરી હતી. સંતોષબહેને ગોમતીપુરમાં મુસા સુલેમાનની ચાલીમાં રહેતા અને ચોસઠ જોગણીના ભૂવા તરીકે પ્રસિદ્ધ થયેલા દશરથભાઇ ઉર્ફે દશરથમામા વરધાજી પરમાર કિંજલની સમસ્યાનું સમાધાન કરી આપશે તેવી વાત કરી હતી.

બે મહિના પહેલાં ભાનુબહેન ભૂવા દશરથભાઇને મળ્યા હતા અને મારી દીકરીને સાસરી પક્ષવાળા તેડવા માટે ક્યારે આવશે તે અંગેની વાત કરી હતી. દશરથભાઇએ ભાનુબહેનને વિધિ કરવી પડશે તેવું કહીને તેમની પીઠ પર થાપો મારીને હાથ ફેરવ્યો હતો. દશરથભાઇએ વિધિ પૂરી થઇ ગઇ હોવાનું કહીને 4500 રૂપિયા ભાનુબહેન પાસેથી લીધા હતા અને મંગળવાર કે ર‌િવવારે આવવું પડશે તેમ કહ્યું હતું. થોડાક સમય પહેલાં ભાનુબહેન તેમના પતિ મનસુખભાઇ સાથે દશરથભાઇ પાસે આવેલાં અને વિધિ કરવાના બહાને બીજા 4500 રૂપિયા લીધા હતા.

થોડાક સમય પહેલાં ભાનુબહેનને સોનાનું લોકેટ બનાવી આપવાનું કહીને દશરથભાઇએ બે હજાર રૂપિયા લઇ લીધા હતા. 11 હજાર રૂપિયા આપ્યા હોવા છતાંય કિંજલના સાસરીવાળા તેડવા માટે નહી આવતાં ભાનુબહેને ભારત જનવિજ્ઞાન જાથા નામની એનજીઓને ફરિયાદ કરી હતી. એનજીઓ દ્વારા ગઇ કાલે ગોમતીપુર પોલીસની મદદથી દશરથભાઇના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like