અમદાવાદમાં ખાદ્યપદાર્થોના નમૂનાની ચકાસણીમાં ગોલમાલ હૈ ભાઈ, સબ ગોલમાલ હૈ…

અમદાવાદ: ૬૦ લાખ અમદાવાદીઓની આરોગ્ય સુખાકારી સાથે મ્યુનિ. આરોગ્ય વિભાગ સીધી રીતે સંકળાયેલો છે. ખાનપાનની પ્રતિષ્ઠિત હોટલ-રેસ્ટોરાં હોય કે સામાન્ય લારી, કરિયાણાની નાનકડી દુકાન હોય કે મોટા મોલ, મીઠાઇ-ફરસાણની હાટડી હોય કે પછી દૂધની ડેરી. આ તમામ સ્થળોએ વેચાતી સંખ્યાબંધ ખાદ્યવસ્તુઓ પૈકી અમદાવાદીઓ દૂધ સિવાયની મોટા ભાગની ખાદ્યવસ્તુઓ ‘ભેળસેળ’ વગરની આરોગે છે તેવો તંત્રનો દાવો છે.

મ્યુનિ. આરોગ્ય વિભાગની હેલ્થ ફલાઇંગ સ્કવોડ દ્વારા વિભિન્ન સ્થળોએ દરોડા પાડીને અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવે છે. આ નમૂનાઓને રાબેતા મુજબ નવરંગપુરા ખાતે ‌સ્થિત મ્યુનિ. લેબમાં ચકાસણી માટે મોકલવામાં આવે છે, જેમાં હરહંમેશ તહેવારો પતી ગયા બાદ જે તે મીઠાઇ, માવો, તેલ, ઘીની શુદ્ધતા-અશુદ્ધતા વિશેનો રિપોર્ટ આવે છે.

કોર્પોરેશનમાં કુલ રપ હેલ્થ ફલાઇંગ સ્કવોડના અધિકારીઓ હોવા જોઇએ તેમ છતાં માત્ર ૧૮ જ ફરજ બજાવે છે. જેના કારણે રોજબરોજ નમૂના લેવાની કામગીરી અત્યંત કંગાળ થાય છે. દૈનિક ૧૦થી ૧ર જ ખાદ્યપદાર્થોના નમૂના લેવાઇ રહ્યા છે, જેમાં પણ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં આરોગ્ય વિભાગમાં વિવાદો સર્જાતાં ફકત સાત નમૂના લેવાયા હતા.શહેરમાં અગાઉ ૬૪ વોર્ડ હતા હવે ૪૮ થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે વોર્ડ દીઠ અોછામાં અોછા એક હેલ્થ અધિકારી હોવા જોઈઅે.

જોકે મ્યુનિ. આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો.ભાવિન સોલંકીને પોતાની ટીમની કામગીરી અાશ્ચર્યજનક રીતે અન્ય વડોદરા, સુરત, રાજકોટ જેવાં કોર્પોરેશનની તુલનામાં સર્વશ્રેષ્ઠ લાગે છે. ડો.સોલંકી કહે છે કે અમદાવાદ કોર્પોરેશનમાં ખાદ્યપદાર્થોના નમૂના પૈ કી આઠ ટકા નમૂના અપ્રમાણિત છે. આટલી ટકાવારી અન્ય કોર્પોરેશનની કામગીરીમાં નથી.

ભેળસેળ નથી, પરંતુ મિસ બ્રાન્ડેડ કેસ વધુ છે!
આરોગ્ય વિભાગને ખાદ્ય પદાર્થોમાં ખાસ ભેળસેળ જણાતી નથી, પરંતુ ફકત ખાદ્ય વસ્તુઓ મિસબ્રાન્ડેડ વધુ છે એટલે કે પેકેજિંગમાં એકસપાયરી ડેટ ન લખી હોય, કન્ટેન્ટ ન લખ્યું હોય, લેબલીંગ બરાબર ન હોય તેવા અમાન્ય નમૂના વધુ પ્રમાણમાં છે. જ્યારે આરોગ્ય માટે હાનિકારક ભેળસેળ ઓછી છે.

You might also like