શિવપુરીના મંદિરમાંથી ચોર 50 કિલોનો સોનાનો કળશ ઉઠાવી ગયા

શિવપુરી (એમ.પી.): મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લાના ખનિયાધાનાનગરની શાન મનાતા રાજમહેલ સ્થિત ભગવાન શ્રીરામ મંદિરના શિખર પરના સુવર્ણ કળશની ચોરી થઈ ગઈ છે. ચોર ૫૦ કિલોનું વજન ધરાવતા આ સોનાના કળશને ઉઠાવી ગયા છે કે જેની કિંમત રૂ.૧૫ કરોડ થવા પામે છે. પાંચ વર્ષ અગાઉ પણ સોનાના આ કળશની ચોરી કરવાની કોશિશ થઈ હતી, પરંતુ એ વખતે તેમને સફળતા મળી ન હતી.

ખનિયાધાના અને ભોતીના જૈન મંદિરમાંથી પણ સદીઓ જૂની જૈન પ્રતિમાઓની ચોરી થઈ રહી છે. આજે સુવર્ણ કળશની ચોરી થતાં મંદિરની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઊભા થયા છે. રજવાડાના સમય દરમિયાન રાજમહેલમાં આ શ્રીરામ મંદિરનું નિર્માણ થયું હતું અને મંદિરનો સુવર્ણ કળશ પણ ઘણો પ્રાચીન હતો.

ઐતિહાસિક વિરાસત હોવાના કારણે તેનું મહત્ત્વ અને મૂલ્ય ઘણું વધુ હોઈ શકે છે. રાજમહેલની અંદર આવેલા આ મંદિરની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા નથી. ત્રણ-ચાર વર્ષ પહેલાં વરસાદના કારણે બહારની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી, જે બનાવવામાં આવી નથી.

શિવપુરીના આ શ્રીરામ મંદિરના સુવર્ણ કળશની ચોરીના વિરોધમાં આજે બજારમાં બંધ પાળવામાં આવ્યો હતો. સુવર્ણ કળશની ચોરીની જાણ થતાં લોકોના વધતા જતા આક્રોશ વચ્ચે ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટ એક્સ્પર્ટ પોલીસ ટીમ સાથે પહોંચી ગયા હતા.

કહેવાય છે કે દોઢ મહિના પહેલાં મંદિરના જીર્ણોદ્ધાર માટે નાંદેડ (મહારાષ્ટ્ર)ના કારીગરો આવ્યા હતા. મંદિર ૩૦૦ વર્ષ જૂનું છે. આ મંદિરના કળશની ડિઝાઈન ઓરછાના મંદિરના કળશ જેવી જ છે. લોકોએ મંદિરમાં સુરક્ષા વ્યવસ્થાના અભાવ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને માગણી કરી છે કે મંદિર માટે તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે.

You might also like