સોનામાં નવ સપ્તાહમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડોઃ ચાંદીમાં પણ નરમાઈ

અમદાવાદ: સ્થાનિક બજારમાં સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. માત્ર એક જ સપ્તાહમાં સોનામાં રૂ. ૮૦૦, જ્યારે ચાંદીમાં રૂ. ૧૨૦૦થી વધુનો કડાકો જોવાઇ ચૂક્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું મહત્ત્વની ૧૨૨૦ ડોલરની સપાટી તોડી નીચે જોવા મળ્યું છે. એક જ સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં ૨.૪ ટકાથી વધુનો ઘટાડો નોંધાઇ ચૂક્યો છે, જે છેલ્લાં નવ સપ્તાહમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે. આજે શરૂઆતે સોનું ૨૦૦ રૂપિયાના ઘટાડે ૨૯,૧૦૦ની સપાટીએ ખૂલ્યું હતું, જ્યારે ચાંદી ૩૯,૧૦૦ની સપાટીએ ખૂલી હતી.

સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં અમેરિકી ડોલરની જોવા મળેલી મજબૂતાઇની અસરે સોના ચાંદીના ભાવ તૂટી રહ્યા છે. એટલું જ નહીં યુએસ ફેડરલ રિઝર્વે પણ આગામી જૂન મહિનામાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે ત્યારે સોના ચાંદીમાં વેચવાલીએ ભાવ ઘટી રહ્યા છે. આમ, સ્થાનિક બજારમાં સોના ચાંદીમાં સુસ્તી જોવા મળી રહી છે.

You might also like