ચાર સપ્તાહમાં સોનામાં રૂ.૧૮૦૦નો ઉછાળોઃ ચાંદીમાં રૂ. ૧૨૦૦ વધ્યા

અમદાવાદ: સ્થાનિક બજારમાં લગ્નસરાની સિઝન તથા ઇક્વિટી બજારમાં જોવા મળી રહેલા ઘટાડાના કારણે સોના-ચાંદીમાં ઘટાડે ખરીદીના પગલે સોના-ચાંદીના ભાવમાં પાછલાં ત્રણ-ચાર સપ્તાહમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી. પાછલાં ચાર સપ્તાહમાં સોનામાં ૧૦ ગ્રામ શુદ્ધ સોનામાં  રૂ. ૧૮૦૦, જ્યારે ચાંદીમાં પ્રતિકિલોએ રૂ. ૧૨૦૦નો ઉછાળો નોંધાયો છે.

સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ટૂંકા સમયગાળામાં સોના અને ચાંદીમાં હજુ પણ સુધારા તરફી ચાલ નોંધાઇ શકે છે. દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાએ મહત્ત્વની ૧૧૫૦ ડોલરની સપાટી ક્રોસ કરતા સ્થાનિક બજારમાં પણ તેની અસર નોંધાઇ છે. તો બીજી બાજુ ડોલર સામે રૂપિયાની નરમાઇએ સોના-ચાંદીના વધતા ભાવને સપોર્ટ કર્યો છે.

સોના-ચાંદીના ભાવમાં તેજી કેમ?
• ચીનના નવા વર્ષની ઉજવણી પૂર્વે સોનાની ધૂમ ખરીદીના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં મહત્ત્વની ૧૧૫૦ ડોલરની સપાટી ક્રોસ કરી છે.
• સ્થાનિક બજારમાં લગ્નસરાની સિઝન તથા ઘટાડે સલામત રોકાણ તરીકે રોકાણરૂપી ખરીદી વધતાં આગેકૂચ.
• ચીનના યુઆનના અવમૂલ્યન તથા વૈશ્વિક ગ્રોથ નબળો પડી શકે છે તેવા બહાર આવેલા સમાચારો પાછળ સલામત રોકાણ તરીકે સોનામાં માગ વધી.
• ડોલરની મજબૂતાઇ તથા બીજી બાજુ રૂપિયાની નરમાઈએ ૬૮ની સપાટી ક્રોસ કરતાં સોનાના ભાવ વધી રહ્યા છે.

You might also like