સોના-ચાંદીમાં સ્થિર ચાલ જોવા મળી

ઘરઆંગણે સોના-ચાંદીમાં સ્થિર ચાલ જોવા મળી છે. સપ્તાહ દરમિયાન સોનામાં સાધારણ ૧૫૦ રૂપિયાનો સુધારો નોંધાઇ આજે શરૂઆતે સોનાનો ૨૯,૬૦૦થી ૨૯,૬૫૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. એ જ પ્રમાણે ચાંદીમાં પણ ૧૦૦ રૂપિયાનો સાધારણ સુધારો નોંધાયો છે. ચાંદી આજે શરૂઆતે ૩૮,૮૦૦થી ૩૮,૯૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.

વૈશ્વિક બજારમાં ડોલરમાં જોવા મળી રહેલી નરમાઇની અસર બુલિયન બજાર ઉપર જોવા મળી છે. વૈશ્વિક બજારમાં બુલિયન બજારને સપોર્ટ મળ્યો છે. વૈશ્વિક બજારમાં સપ્તાહ દરમિયાન સોનામાં એક ટકાનો સુધારો જોવા મળ્યો છે. બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે રાજકીય અનિશ્ચિતતાભર્યા માહોલના પગલે બુલિયન બજારમાં તેની સકારાત્મક ચાલ જોવા મળી છે. સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે નવી ખરીદીના પગલે સોનામાં વધુ સુધારાની ચાલ જોવા મળી શકે છે એટલું જ નહીં ચાંદીમાં પણ તેની સકારાત્મક અસર નોંધાઇ શકે છે. બુલિયન બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આગામી બેથી ચાર સપ્તાહમાં સોનું ૩૦ હજારની સપાટી વટાવી શકે છે. એ જ પ્રમાણે ચાંદી પણ ૩૯ હજારની સપાટી ક્રોસ કરી ૩૯,૫૦૦ની સપાટીએ જોવાઇ શકે છે.

You might also like