સપ્તાહમાં સોના કરતાં ચાંદીમાં બમણો ઉછાળો

અમદાવાદ: સપ્તાહ દરમિયાન સોના કરતાં ચાંદીમાં બમણો ઉછાળો નોંધાયો છે. સપ્તાહમાં ૧૦ ગ્રામ શુદ્ધ સોનામાં રૂ. ૫૦૦નો ઉછાળો નોંધાઇ રૂ. ૨૯,૨૦૦થી રૂ. ૨૯,૩૦૦ની સપાટીએ જોવા મળ્યું છે, જ્યારે ચાંદીમાં સપ્તાહ દરમિયાન પ્રતિ કિલોએ રૂ. ૧૦૦૦નો ઉછાળો નોંધાયો છે. ચાંદીનો આજે શરૂઆતે રૂ. ૩૯,૩૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.

વૈશ્વિક બજારમાં પણ સોનામાં મજબૂતાઇની ચાલ નોંધાઇ છે. વૈશ્વિક બજારમાં સોનું ૧૨૫૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી ક્રોસ કરી ૧૨૫૩ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ જોવા મળ્યું છે. જે પાછલાં પાંચ સપ્તાહનો સૌથી સારો સાપ્તાહિક સુધારો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની નીતિ રીતિ સામે તેમના જ પક્ષના કેટલાક સભ્યોએ વિરોધ કર્યો છે, જેના કારણે ‘પોલિટિકલ ટેન્શન’ની સ્થિતિ જોવા મળી છે, જેનાં પરિણામે સોનામાં સુધારાની ચાલ નોંધાઇ છે. તો બીજી બાજુ રૂપિયામાં નરમાઇની અસરથી સોનાના ભાવને સપોર્ટ મળ્યો છે.

આગામી દિવસોમાં સોના કરતાં ચાંદીના ભાવ વધુ ઝડપથી વધી શકે છે
– દુનિયામાં ચાંદીનું ઉત્પાદન ઘટી રહ્યું છે.
– સોલાર ઈન્ડસ્ટ્રીઝમાં ચાંદીની માત્રા ૩૪ ટકા માગ વધી છે.
– માર્ચ ત્રિમાસિક સમયગાળામાં ચીલીમાં ચાંદીના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે, જે ઉત્પાદન ૨૬ ટકા ઘટ્યું છે.
– ચાંદીમાં ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ચાંદીની વૈશ્વિક ડિમાન્ડ વધીને ૩૧,૯૦૦ ટનની સપાટીએ પહોંચી ગઇ છે.
http://sambhaavnews.com/

You might also like