વૈશ્વિક અનિશ્ચિતતાના માહોલથી સોના-ચાંદીમાં ભડકો

અમદાવાદ: પાછલા સપ્તાહે અમેરિકાએ અચાનક સિરિયા પર હુમલો કર્યા બાદ ગઇ કાલે ફરી એક વાર અફઘાનિસ્તાન પર હુમલો કર્યો છે. તો બીજી બાજુ ઉત્તર કોરિયાના પ્રશ્ને વધતી જતી ભૂ રાજકીય તંગદિલીના પગલે સોના અને ચાંદીમાં ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે.

વૈશ્વિક બજારમાં સોનું પાંચ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ગયેલું જોવા મળ્યું છે. સ્થાનિક બજારમાં આજે શરૂઆતે સોનાએ રૂ. ૩૦,૦૦૦ની સપાટી ક્રોસ કરતા રૂ. ૩૦,૨૦૦ની સપાટીએ ભાવ ખૂલેલો જોવા મળ્યો હતો. સ્થાનિક બજારમાં માત્ર એક જ સપ્તાહમાં સોનામાં રૂ. ૧,૦૦૦થી વધુનો ઉછાળો નોંધાતો જોવાયો હતો. એ જ પ્રમાણે ચાંદી પણ ૪૩,૦૦૦ની સપાટીની નજીક ૪૨,૯૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. ચાંદીમાં પાછલા એક જ સપ્તાહમાં પ્રતિકિલોએ રૂ. ૧૫૦૦થી વધુનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે.
સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સોના અને ચાંદીમાં વૈશ્વિક બજારોમાં ફંડામેન્ટલી મજબૂતાઇનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં પાછલા એક જ સપ્તાહમાં સોનામાં ૨.૭ ટકાથી વધુનો ઉછાળો નોંધાઇ ચૂક્યો છે.
સિરિયા અને ઉત્તર કોરિયા જેવા દેશોને લઇને અમેરિકા, રશિયા સહિત વિશ્વના અગ્રણી દેશોમાં વધતા જતા અનિશ્ચિતતાભર્યા માહોલના પગલે મોટાં ફંડહાઉસ દ્વારા સલામત રોકાણ તરીકે સોના અને ચાંદીમાં રોકાણ વધારાયું છે, જેની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. દરમિયાન આગામી ૨૮ એપ્રિલે અખાત્રીજ છે, જેને લઇને સ્થાનિક બજારમાં જ્વેલરીની માગમાં પાછલા મહિનાઓની સરખામણીમાં સુધારો નોંધાતો જોવા મળ્યો છે અને તેની અસરથી પણ સોના અને ચાંદીના ભાવને સપોર્ટ મળ્યો છે.
નોટબંધીને પાંચ મહિના કરતાં પણ વધુનો સમય થઇ ગયો છે ત્યારે નવેમ્બર-ડિસેમ્બર કરતાં હાલ નાણાકીય પ્રવાહિતામાં સુધારો થતાં જ્વેલરી બજારમાં તેની સકારાત્મક અસર જોવા મળી રહી છે. માણેકચોક ચોક્સી મહાજનના પૂર્વ પ્રેસિડેન્ટ હર્ષવર્ધન ચોક્સીના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં જોવા મળેલા અનિશ્ચિતતાના પગલે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવાયો છે.

આખરે સોના-ચાંદીના ભાવમાં કેમ ઉછાળો જોવા મળ્યો?
અમેરિકાએ સિરિયા બાદ અફઘાનિસ્તાન પર અચાનક હુમલો કરતાં વૈશ્વિક બજારમાં વધતો તંગદિલીભર્યો માહોલ.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અનિશ્ચિતતાભરી વેપાર નીતિથી બુલિયનમાં રોકાણ વધ્યું.
સલામત રોકાણ તરીકે મોટાં ફંડહાઉસોની લેવાલી વધી.
વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં પાછલા એક સપ્તાહમાં જોવા મળેલો ઉછાળો.
અખાત્રીજને લઇને સ્થાનિક બજારમાં જ્વેલરીની માગ વધી.
નોટબંધી બાદ નવેમ્બર-ડિસેમ્બરમાં રોકડની ક્રાઇસિસ હતી, જેમાં ઘટાડો નોંધાયો છે.
મોટા ભાગના એનાલિસ્ટોએ સોના અને ચાંદીમાં વર્ષ ૨૦૧૭માં ભાવ વધવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.

એક વર્ષમાં ચાંદીમાં રૂ. ૫,૨૦૦નો ઉછાળો
પાછલા એક વર્ષમાં ચાંદીમાં પ્રતિકિલોએ રૂ. ૫,૨૦૦નો ઉછાળો જોવા મળ્યો છે. એક વર્ષમાં ચાંદીમાં ૧૩.૭૯ ટકાનો ઉછાળો નોંધાતો જોવાયો છે, જ્યારે તેની સામે સોનામાં માત્ર ૩.૨૪ ટકાનો સુધારો આવ્યો છે. સોનામાં પાછલા એક વર્ષમાં પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૯૦૦થી રૂ. ૧,૦૦૦નો સુધારો જોવા મળ્યો છે.
http://sambhaavnews.com/

You might also like