કમુરતાં બાદ સોના-ચાંદીના ભાવ વધવાની શક્યતા

અમદાવાદ: સ્થાનિક બજારમાં સોનાના ભાવ ૨૮,૮૦૦, જ્યારે ચાંદીના ભાવ ૪૦,૦૦૦ની આસપાસ જોવા મળી રહ્યા છે. બુલિયન બજારના એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં કમૂરતા ઊતરતાની સાથે જ લગ્નસરાની માગમાં સુધારો નોંધાઇ શકે છે એટલું જ નહીં વૈશ્વિક મોરચે પણ સોનાના ભાવમાં સુધારો થઇ શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

એનાલિસ્ટના મત મુજબ આગામી ૨૦ જાન્યુઆરીએ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ શાસનમાં આવતાની સાથે જ કોમોડિટી બજારમાં તેની સીધી અસર જોવાય તેવી શક્યતા છે તેના કારણે પ્રેસિયસ મેટલ સહિત બેઝ મેટલના ભાવમાં પણ સુધારો થાય તેવી શક્યતાઓ છે. તેઓના જણાવ્યા પ્રમાણે મોટા ફંડ તથા રોકાણકારો કીમતી ધાતુને રોકાણ માટે કવર કરી રહ્યા છે, જેની અસર આગામી દિવસોમાં પણ જોવાઇ શકે છે. તેના પગલે કમૂરતા બાદ સોના અને ચાંદીના ભાવમાં વધુ સુધારાની શક્યતાઓ છે. એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે કમૂરતા બાદ એક-બે સપ્તાહમાં જ સોનાના ભાવ ૨૯,૫૦૦થી ૩૦,૦૦૦ની સપાટીએ જોવાઇ શકે છે.
http://sambhaavnews.com/

You might also like