સોના-ચાંદીમાં તોફાની વધારો નોંધાયો

અમદાવાદ: આવતા સપ્તાહે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પૂર્વે જોવા મળી રહેલા અનિશ્ચિતતાભર્યો માહોલ તથા બેદિવસીય બેઠક બાદ યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં કોઇ વધારો નહીં કરતાં વૈશ્વિક બજારમાં સોનામાં રોકેટ ગતિએ ઉછાળો જોવા મળ્યો છે. સોનું ૧૩૦૦ ડોલરની સપાટી ક્રોસ કરી એક મહિનાની ઊંચાઇએ ૧,૩૦૭ ડોલરની સપાટીએ પહોંચી ગયેલું જોવા મળ્યું છે.

દરમિયાન સ્થાનિક બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં તેજીની ચાલ નોંધાતી જોવા મળી છે. સ્થાનિક બજારમાં ૧૦ ગ્રામ શુદ્ધ સોનું ૩૧,૦૦૦ની સપાટીને પાર પહોંચેલું જોવા મળ્યું છે. એ જ પ્રમાણે ચાંદીએ પણ ૪૪,૦૦૦ની સપાટી ક્રોસ કરી દીધી છે.

સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાભર્યા માહોલ વચ્ચે ડોલરની મજબૂતાઇના પગલે સોનામાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી છે અને આગામી દિવસોમાં પણ હજુ પણ વધુ સુધારો જોવાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

નવા વર્ષના ઉઘડતાં બજારોમાં જ સોના-ચાંદીમાં જોવા મળેલી તેજી તરફી ચાલના પગલે સ્થાનિક જ્વેલર્સમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. બીજી બાજુ શેરબજારમાં જોવા મળેલી પ્રેશરની ચાલની સકારાત્મક અસર બુલિયન બજાર પર જોવા મળી હતી. સ્થાનિક બજારમાં અંદરખાને તેજી તરફી સોના-ચાંદીના સોદાની ચાલ પડતી જોવાઇ છે.

જુદાં જુદાં બ્રોકરેજ હાઉસ દ્વારા સોનાના ભાવના અનુમાન સુધારાયાં
યુએસના રાષ્ટ્રપ્રમુખની આગામી સપ્તાહે ચૂંટણી છે, જ્યારે ડિસેમ્બરમાં યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારો કરવાના સંકેતો આપ્યા છે, જેના પગલે વિવિધ બ્રોકરેજ હાઉસો દ્વારા પણ સોનાના ભાવના અનુમાનમાં સુધારો કરાયો છે. યુબીએસે ૧૪૦૦ ડોલર પ્રતિઔંસની સપાટીએ સોનું પહોંચી શકે છે તેવો અંદાજ વ્યક્ત કર્યો છે, જ્યારે એબીએન એમરોએ ૧,૬૫૦ પ્રતિઔંસની સપાટીએ, એચએસબીસીએ ૧૪૦૦ ડોલર, જ્યારે સિટીએ ૧૪૨૫ ડોલર પ્રતિઔંસની સપાટીએ સોનું પહોંચવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.

You might also like