સપ્તાહમાં રૂપિયો ધોવાયોઃ સોના-ચાંદી ડાઉન

અમદાવાદ: આ સપ્તાહમાં રૂપિયામાં તોફાની ચાલ જોવા મળી હતી. વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ૮૦ ડોલરની નજીક પહોંચી જતાં રૂપિયામાં પણ તેની સીધી અસર જોવા મળી હતી. ઓઇલ કંપનીઓ દ્વારા ડોલરના આકર્ષણે રૂપિયાએ ૬૮ની સપાટી તોડી હતી.

ચાલુ સપ્તાહે ડોલર સામે રૂપિયો ૬૮ પૈસા તૂટ્યો હતો. ગઇ કાલે છેલ્લે રૂપિયો ૬૮ની સપાટીએ બંધ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે પાછલા સપ્તાહે ડોલર સામે રૂપિયો ૬૭.૩૨ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો.સપ્તાહમાં રૂપિયાના ધોવાણને અટકાવવા આરબીઆઇની ડખલગીરીથી બેન્કો દ્વારા ડોલરની વેચવાલીના પગલે રૂપિયામાં વધુ ધોવાણ થતું અટક્યું હતું.

દરમિયાન વૈશ્વિક બજારમાં સોનું ૧૩૦૦ ડોલરની સપાટી તોડી નીચે આવી જતાં સોના અને ચાંદીમાં નરમાઇની ચાલ જોવા મળી હતી. સપ્તાહ દરમિયાન સોનામાં રૂ. ૪૦૦નો ઘટાડો નોંધાઇ આજે શરૂઆતે ૧૦ ગ્રામ શુદ્ધ સોનાનો ૩૨,૦૫૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.

નોંધનીય છે કે વૈશ્વિક બજારમાં સોનું ૧૨૯૩ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યું હતું. સપ્તાહ દરમિયાન ચાંદીમાં પણ પ્રતિ કિલો રૂ. ૪૦૦નો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. આજે શરૂઆતે ચાંદીનો પ્રતિ કિલો ૪૦,૫૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.  અનિશ્ચિતતાભર્યા માહોલ વચ્ચે બુલિયન બજારમાં પણ ખરીદીનો અભાવ જોવા મળી રહ્યો છે.

You might also like