સોના અને ચાંદીના ભાવ ઘટતા કાલે અખાત્રીજે ઊંચા વેચાણની આશા

અમદાવાદ: છેલ્લા એક સપ્તાહમાં સોનામાં ૭૦૦ રૂપિયા કરતાં પણ વધુનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે. અખાત્રીજ પૂર્વે સોનાના ભાવાં જોવા મળેલા ઘટાડાના પગલે આ વખતે સોના-ચાંદીની જ્વેલરીનું ઊંચું વેચાણ થવાની આશા સ્થાનિક જ્વેલર્સ દ્વારા વ્યક્ત કરાઇ છે. તેઓના જણાવ્યા પ્રમાણે જ્વેલર્સ તહેવારોને લઇને વિવિધ ડિસ્કાઉન્ટ ઓફર્સ મૂકી રહ્યા છે તેમાં પણ ઘડામણ ઉપર ૩૦થી ૪૦ ટકાનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે તો વળી કેટલાક જ્વેલર્સ ડાયમંડ જ્વેલરી ઉપર વધુ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે, જેના કારણે વેચાણમાં પણ વૃદ્ધિ થવાની આશા છે. દરમિયાન આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનું રૂ. ૧૦૦ના ઘટાડે ૨૯,૩૦૦ની સપાટીએ, જ્યારે ચાંદી ૪૦,૫૦૦ની સપાટીએ જોવાયા હતા. બજારમાં રોકડની પ્રવાહિતા પણ વધી છે ત્યારે તેની અસર પણ જ્વેલરી બજારમાં જોવાવાની આશા વ્યક્ત કરાઇ છે. જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે આ વખતે અખાત્રીજના દિવસે પાછલા વર્ષની સરખામણીમાં ૧૫થી ૨૦ ટકા વધુ ૧૦૦ કરોડ રૂપિયા કરતાં પણ વધુ જ્વેલરીનું વેચાણ થવાની આશા છે.

અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના સેક્રેટરી જિગરભાઇ સોનાની જણાવ્યા પ્રમાણે શહેરમાં થોડા દિવસ અગાઉ જ્વેલરીના એક્ઝિબિશનમાં વેચાણમાં ભારે પ્રતિસાદ જોવા મળ્યો હતો. શહેરમાં પણ દક્ષિણ ભારતના લોકોની સંખ્યા વધી રહી છે એટલું જ નહીં સોનાના ભાવમાં જોવા મળેલા ઘટાડા તથા ગુજરાતીઓમાં પણ હવે અખાત્રીજના દિવસે જ્વેલરીની ખરીદીનો ટ્રેન્ડ વધી રહ્યો છે તે જોતાં આ વખતે જ્વેલરીનું વેચાણ ઊંચું રહેવાની આશા છે.

પાછલા વર્ષ કરતાં એક હજાર રૂપિયા સસ્તું સોનું
પાછલા વર્ષે ૯ મેએ અખાત્રીજના દિવસે સોનાનો ભાવ ૩૦,૩૦૦ રૂપિયા હતો તેના કરતાં રૂ. ૧,૦૦૦ ઓછો એટલે કે હાલ
રૂ. ૨૯,૩૦૦ની સપાટીએ ભાવ જોવા મળી રહ્યો છે.
http://sambhaavnews.com/

You might also like