સોના અને ચાંદીમાં ઘટાડાની ચાલ

અમદાવાદ: યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે સોના અને ચાંદીમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી. આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનું રૂ. ૧૫૦ના ઘટાડે ૨૯,૧૦૦ની સપાટીએ ખૂલ્યું હતું, જ્યારે ચાંદી ૩૯,૦૦૦ની સપાટી તોડી નીચે ૨૫૦ના ઘટાડે ૩૮,૫૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. ઉલ્લેખનીય છે કે બે દિવસમાં ચાંદીમાં પ્રતિકિલોએ રૂ. ૧૦૦૦નો ઘટાડો જોવાઇ ચૂક્યો છે.

સ્થાનિક બજારના એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં ૦.૨૫ ટકા સુધીનો વધારો કરાય તેવી મજબૂત શક્યતાઓ છે અને આ ગણતરી પાછળ વૈશ્વિક બજારમાં પણ સોનું પ્રેશરમાં જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારમાં સોનું ૧,૨૬૯ની ડોલર પ્રતિઔંસની સપાટીએ ભાવ જોવા મળ્યો હતો.

દરમિયાન મોટા ફંડ હાઉસોની વેચવાલીની સાથેસાથે નવી ખરીદીના અભાવ વચ્ચે સોનાના ભાવ પ્રેશરમાં જોવાયા હતા. સ્થાનિક બુલિયન બજારના એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે જીએસટી આવે તે પૂર્વે બુલિયન બજારમાં સોના ઉપર પાંચ ટકા જીએસટી લાદવાની શક્યતા હતી, પરંતુ આ બધી ગણતરીઓ ઊંધી વળી છે. સરકારે સોના પર ત્રણ ટકા જીએસટી લાદવાની ભલામણ કરી છે, જેના પગલે જીએસટી આવે તે પૂર્વે મે મહિનામાં મોટા પ્રમાણમાં સોનાની આયાત દેશમાં થઇ ચૂકી છે. તેની સામે નવી ખરીદીનો અભાવ જોવા મળી રહ્યો છે. આ સેન્ટિમેન્ટ પાછળ સોના અને ચાંદીના ભાવમાં હાલ પ્રેશર જોવા મળી રહ્યું છે.
http://sambhaavnews.com/

You might also like