સપ્તાહમાં સોના અને ચાંદીમાં રૂ. ૧૦૦૦નો કડાકો નોંધાયો

અમદાવાદ: સ્થાનિક બજારમાં પાછલાં એક જ સપ્તાહમાં સોના અને ચાંદીમાં કડાકો બોલાઇ ગયો છે. એક સપ્તાહમાં સોનામાં રૂ. ૧૦૦૦નો ઘટાડો નોંધાઇ ૨૮,૦૦૦ની સપાટી તોડી નીચે ૨૭,૭૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો, જ્યારે ચાંદીમાં પણ પ્રતિકિલોએ ૧૦૦૦થી વધુનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે. આજે શરૂઆતે ચાંદીમાં ૪૦,૦૦૦ની સપાટીની નીચે ૩૯,૯૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. આજે શરૂઆતે સોનાના ભાવ ૨૭,૭૦૦, જ્યારે ચાંદીના ભાવ ૩૯,૯૦૦ની સપાટીએ ખૂલ્યા હતા.

સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં ડોલર મજબૂત થયો છે તેની અસરથી વૈશ્વિક સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં સોનું સાડા દશ મહિનાની નીચી સપાટીએ જોવાયું છે.  યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો વધારો કરતાં તેની અસર પણ બુલિયન બજાર પર જોવા મળી છે તો બીજી બાજુ સ્થાનિક બજારમાં નોટબંધીના કારણે નવી લેવાલીનો તદ્દન અભાવ જોવા મળી રહ્યો છે. બજારમાં અગાઉ દિવાળી તથા ૮ નવેમ્બરના નોટબંધી બાદ સોના-ચાંદીમાં મોટા પ્રમાણમાં ખરીદી જોવાઇ ચૂકી છે. રોકડની ક્રાઇસિસ વચ્ચે હાલ ખરીદીનો અભાવ નોંધાયો છે અને તેની અસરથી પણ ભાવમાં ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યો છે.

બુલિયન બજારના એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં સોનું ૧૧૦૦ની સપાટી તોડે તેવી શક્યતા વધુ જોવા મળી રહી છે. આ જોતાં સોના અને ચાંદીમાં વધુ ઘટાડો જોવાય તેવી હજુ પણ શક્યતાઓ છે. વૈશ્વિક બજારમાં સપ્તાહ દરમિયાન સોનામાં બે ટકાનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે અને સળંગ છઠ્ઠું સપ્તાહ છે કે જેમાં ઘટાડાની ચાલ નોંધાઇ છે. નોટબંધી બાદ ઊભી થયેલી પરિસ્થિતિના કારણે ગ્રામીણ વિસ્તારમાંથી પણ ખરીદીનો તદ્દન અભાવ જોવા મળી રહ્યો છે. લોકો ડિસેમ્બર મહિના બાદ સરકારની નવી જાહેરાતની રાહ જોઇ રહ્યા છે. આ સંજોગોમાં સોનાના ભાવ ઘટ્યા હોવા છતાં લેવાલીનો અભાવ છે.
http://sambhaavnews.com/

You might also like