રૂપિયાની મજબૂતાઇના પગલે સોના-ચાંદીના ભાવમાં ગાબડાં

અમદાવાદ: ઘરઆંગણે સોના-ચાંદીના ભાવમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઘટાડાની ચાલ જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં સુસ્તી નોંધાઇ છે. સોનું ૧૨૮૦ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવા મળી રહ્યું છે. એ જ પ્રમાણે ચાંદીમાં પણ ઘટાડો નોંધાઇ ૧૭ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચી ગઇ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળી રહેલી ઘટાડાની ચાલ તો બીજી બાજુ રૂપિયામાં જોવા મળી રહેલી મજબૂતાઇના પગલે સોના-ચાંદીના ભાવમાં ગાબડાં પડ્યાં છે. ત્રણ દિવસમાં સોનાના ભાવમાં રૂ. ૪૦૦નો પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો નોંધાઇ ચૂક્યો છે.

આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનાનો રૂ.૩૦,૩૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો, જ્યારે ચાંદીમાં પણ પાછલા ત્રણ દિવસમાં પ્રતિ કિલોએ ૮૦૦ રૂપિયાનો કડાકો જોવાઇ ચૂક્યો છે. આજે શરૂઆતે ચાંદીનો રૂ.૪૦,૧૦૦ પ્રતિકિલોની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.

બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે દિવાળીના તહેવારમાં જોવા મળેલી બમ્પર ઘરાકી બાદ નવી ખરીદીના અભાવ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં નોંધાયેલા પ્રેશર વચ્ચે ભાવ તૂટ્યા છે.

બુલિયન બજારના હોલસેલ વેપારીના જણાવ્યા પ્રમાણે સોના અને ચાંદીની મોટા પ્રમાણમાં આયાત થઇ ચૂકી છે. બજારમાં પૂરતા સપ્લાયની સામે અપેક્ષા કરતા માગનો અભાવ નોંધાઇ રહ્યો છે. આ સેન્ટિમેન્ટના પગલે તથા રૂપિયાના પ્રેશર વચ્ચે ચાંદીમાં અને સોનાના ભાવમાં કડાકો જોવાઇ ચૂક્યો છે.

You might also like