ચાંદીના ભાવ તૂટ્યા, ડોલર સામે રૂપિયો ૭૨ પૈસા તૂટ્યો

અમદાવાદ: અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે તંગદિલીભર્યા સંબંધોના પગલે સોના અને ચાંદીમાં સાધારણ સુધારાની ચાલ નોંધાઇ છે, પરંતુ સપ્તાહના ડેટા જોઇએ તો ચાંદીમાં પ્રતિ કિલોએ ૮૦૦નો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. આજે શરૂઆતે ચાંદીનો રૂ. ૪૦,૪૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. સોનામાં સપ્તાહ દરમિયાન સ્ટેડી ચાલ નોંધાતી જોવા મળી હતી. આજે શરૂઆતે ૧૦ ગ્રામ શુદ્ધ સોનાનો રૂ. ૩૦,૮૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ઉત્તર કોરિયાની હાઇડ્રોજન બોમ્બ પરમાણુ પરીક્ષણની ધમકીથી સોના અને ચાંદીના વૈશ્વિક ભાવમાં મજબૂત સુધારાની ચાલ જોવાઇ છે. તો બીજી બાજુ રૂપિયો પણ તૂટી રહ્યો છે.

પાછલા વર્ષ કરતાં ચાંદીના પ્રતિકિલોએ રૂ. ૬,૦૦૦ નીચા ભાવ
ચાંદીના ભાવ પાછલા વર્ષે આ જ સમયગાળામાં જે હતા તેના કરતાં રૂ. ૬,૦૦૦ નીચા ભાવે જોવા મળી રહ્યા છે. પાછલા વર્ષે આ ગાળામાં રૂ. ૪૬,૩૦૦નો ભાવ હતો, જ્યારે ચાંદી હાલ રૂ. ૪૦,૪૦૦ના ભાવે વેચાઇ રહી છે.

અમદાવાદ: યુએસ ફેડરલ રિઝર્વની બે દિવસીય બેઠક બાદ મજબૂત ઇકોનોમીના સંકેતોના પગલે વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂત ચાલ નોંધાઇ હતી, જેના પગલે રૂપિયામાં ઝડપથી ઘટાડો નોંધાયો હતો. ગઇ કાલે છેલ્લે ડોલર સામે રૂપિયો ૬૪.૭૯ની સપાટીએ બંધ જોવાયો હતો. સપ્તાહમાં રૂપિયો ૭૨ પૈસા તૂટ્યો છે. ગઇ કાલે રૂપિયાએ શરૂઆતે જ ૬૫ની સપાટી પાર કરી દીધી હતી. આમ, રૂપિયો પાંચ મહિનાના નીચલા સ્તરે આવી ગયો હતો, જોકે ત્યારબાદ રૂપિયાે વધુ ઘટતો અટક્યો હતો અને ઉપલા મથાળેથી રિકવર થયો હતો. આમ, ગઇ કાલે છેલ્લે ૬૪.૭૯ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બેન્કો અને ઓઇલ કંપનીઓની ડોલરની લેવાલીના પગલે રૂપિયામાં વધુ ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે.

દેશનો આર્થિક વિકાસ ધીમો પડી રહ્યો છે. આઇઆઇપી ડેટા સહિત અન્ય ઇકોનોમી ડેટા પણ નબળા આવી રહ્યા છે. આ જોતાં સરકાર આગામી દિવસોમાં ગમે ત્યારે રાહત પેકેજ જાહેર કરે તેવી શક્યતા છે. જો આમ થાય તો રૂપિયામાં વધુ નરમાઇ નોંધાઇ શકે છે. એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે ડોલર સામે રૂપિયો ૬૫થી ૬૫.૧૦ની સપાટીએ જોવાઇ રહ્યો છે.

You might also like