પ્રદૂષણ ઓકતી સોના-ચાંદીની ભઠ્ઠીઓને ગુરુવારથી કાયમી સીલ

અમદાવાદ: શહેરના કોટ વિસ્તારમાં કેટલાક સ્થાનિક પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ કોર્પોરેશનના હેલ્થ વિભાગના કેટલાક અધિકારીઓ સાથેની સાઠગાંઠથી સોના-ચાંદીની ભઠ્ઠીઓનો ગેરકાયદે ધંધો બેફામ રીતે ફૂલ્યોફાલ્યો છે, તેમાં પણ પરપ્રાંતીયોનું વર્ચસ્વ હોઇ ખાડિયા સહિતના સમગ્ર કોટ વિસ્તારની રોનક જ હણાઇ ગઇ છે, જોકે હાઇકોર્ટની લાલ આંખને પગલે તંત્રને પણ રહી રહીને કોટ વિસ્તારના આ સળગતા પ્રશ્ન સામે આકરાં પગલાં લેવાની ફરજ પડી છે, જેના કારણે સત્તાધીશોએ સોના-ચાંદીની ભઠ્ઠીઓને શહેરના ઓઢવ અથવા કઠવાડા જીઆઇડીસીમાં જગ્યા ફાળવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે.

રાયપુર, ખાડિયા, માણેકચોક વિસ્તારમાં વર્ષોથી સોના-ચાંદીની ગેરકાયદે ભઠ્ઠીઓ ધમધમે છે. રહેણાક વિસ્તારમાં ભઠ્ઠીઓના કારણે લોકોને ત્વચાના રોગ થાય છે. સોના-ચાંદી ગાળવા વપરાતો એસિડ સીધેસીધો ગટર લાઇનમાં ઠલવાતો હોઇ ગટરલાઇન ખવાઇ જાય છે. પ્રદૂષિત વાતાવરણથી પ્રજા ત્રાહિમામ્ છે. તેમ છતાં હપ્તાબાજીથી ભઠ્ઠીઓને ઊની આંચ આવતી ન હતી.

સમગ્ર કોટ વિસ્તારમાં એક અંદાજ પ્રમાણે ૬,૦૦૦થી વધુ સોના-ચાંદીના ધંધાકીય એકમો છે. પરપ્રાંતીયોની દાદાગીરીના કારણે આ વિસ્તારમાં ચોરી-લૂંટના બનાવ પણ વધ્યા છે. ભઠ્ઠીઓની સામે ગુજરાત હાઇકોર્ટમાં વર્ષ ર૦૧૩માં જાહેર હિતની અરજી કરાઇ હતી. તેમ છતાં ભઠ્ઠીઓ ધમધોકાર ચાલુ રહેવાથી આ અંગે હાઇકોર્ટમાં રિટ પિટિશન કરાઇ હતી, જે હેઠળ ગત તા.ર૦ જાન્યુઆરી, ર૦૧૬એ કોર્પોરેશનને સોના-ચાંદીની ભઠ્ઠીઓને કાયમી ધોરણે ખસેડવાનો મૌખિક આદેશ આપ્યો હતો, જોકે આજે સત્તાવાળાઓએ સોના-ચાંદીની ભઠ્ઠીઓના સંચાલકોને જાહેર નોટિસ ફટકારી છે.

તંત્ર દ્વારા સોના-ચાંદીની ભઠ્ઠીઓ તેમજ જે ધંધાકીય એકમોમાં એસિડનો હાનિકારક રીતે ઉપયોગ થતો જણાઈ આવશે તેવા ધંધાકીય એકમોનો સર્વે પૂર્ણ થયા બાદ તાળાં લગાવવામાં આવશે એટલે કે ગુરુવારથી સી‌િલંગ ઝુંબેશ હાથ ધરાશે.

ગત તા.ર૦ જાન્યુઆરીએ હાઇકોર્ટે કોર્પોરેશનને સોના-ચાંદીની ભઠ્ઠીઓના મામલે ઉગ્ર ભાષામાં ઠપકો આપતાં અગાઉ સત્તાવાળાઓને કોટ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવાની ફરજ પડી હતી. તે વખતે ર૦૦ ધંધાકીય એકમોને ઘરે ફરીને ૧૦ ભઠ્ઠી સીલ પણ કરાઇ હતી.

ભઠ્ઠીઓને સ્થળાંતર માટે જગ્યા ઓફર કરાશેઃ આઇ. કે. પટેલ
મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર આઇ. કે. પટેલ કહે છે કે, “કોર્પોરેશન દ્વારા સોના-ચાંદીની ભઠ્ઠીઓના સંચાલકોને શહેરના પૂર્વ વિસ્તારમાં સ્થળાંતર કરવાની ઓફર કરાશે. ઓઢવ અથવા તો કઠવાડા જીઆઇડીસીમાં ભઠ્ઠીઓનું સ્થળાંતર સંભવ છે.”

અત્યાર સુધીમાં રર૦૦ ધંધાકીય એકમો નોંધાયા છેઃ ડો.ભાવિન સોલંકી
કોર્પોરેશનના હેલ્થ વિભાગના વડા ડો.ભાવિન સોલંકી કહે છે કે, “છેલ્લા બે દિવસથી તંત્ર દ્વારા સોના-ચાંદીના ધંધાકીય એકમોનો સર્વે હાથ ધરાયો છે. જે હેઠળ અત્યાર સુધીમાં રર૦૦ ધંધાકીય એકમ નોંધાયા છે. આ સર્વે હજુ બુધવાર સુધી ચાલશે.”

ઘરેણાંને રેણ કરતા એકમો અંગે કોર્ટનું માર્ગદર્શન લેવાશે
આઇ. કે. પટેલ કહે છે કે જે ધંધાકીય એકમો સોના-ચાંદીનાં ઘરેણાંનું સામાન્ય રેણ કરવાનું કામકાજ કરે છે તેવા એકમોના મામલે તંત્ર હાઇકોર્ટનું માર્ગદર્શન લેશે.

You might also like