સોનામાં નિયંત્રણોની જાહેરાત બાદ ભાવમાં વધુ રૂ. ૪૦૦નો ઘટાડો

અમદાવાદ: પાછલા મહિને નોટબંધી બાદ કાળાં નાણાંધારકો દ્વારા સોના અને ચાંદીની મોટા પ્રમાણમાં ખરીદી કરાઇ હતી. નોટબંધી બાદ હવે સોનું રાખનાર ઉપર સરકારનો ગાળિયો કસાય તેવી શકયતા તેજ બની હતી. છેલ્લા કેટલાય વખતથી સોનું કેટલું રાખવું તે અંગે અસ્પષટતાભરી સ્થિતિ પ્રવર્તતી જોવા મળી હતી. જોકે ગઇ કાલે સરકારની જાહેરાત બાદ સોનું કેટલું રાખવું તેની સ્થિતિ વધુ સ્પષ્ટ થઇ છે. સરકારની આ જાહેરાત બાદ આજે સોનામાં વધુ રૂ. ૪૦૦થી પણ વધુનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે.

આજે શરૂઆતે ૨૯,૦૦૦ની સપાટી તોડી નીચે ૨૮,૯૦૦ની સપાટીએ સોનાનો ભાવ ખૂલેલો જોવા મળ્યો હતો.  બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં સોનામાં ડાઉન ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં સોનું ૧,૧૬૯ની સપાટીએ પહોંચી ગયેલું જોવા મળ્યું હતું. સ્થાનિક બજારમાં પણ તેની અસર જોવા મળી હતી.

અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના સેક્રેટરી જિગરભાઇ સોનીના જણાવ્યા પ્રમાણે સરકારે વર્ષ ૧૯૯૪નો જે કાયદો હતો તે અંગે વધુ સ્પષ્ટતા કરી છે. તે વખતે લોકોમાં આ પ્રકારની સમજ ઓછી હતી. પ્રચાર-પ્રસારના હાલના જમાનામાં સરકારની સ્પષ્ટતાના પગલે કાયદા અંગે લોકોની સમજણ વધી છે, જેના પગલે ખરીદનારા અને વેચનારા બંનેમાં પાછલા કેટલાક સમયથી જે અસમજણની સ્થિતિ જોવા મળતી હતી તેમાં વધુ સ્પષ્ટતાની સ્થિતિ જોવા મળી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ખરીદનારે ખરીદીનો પુરાવો એટલે કે બિલ, પેમેન્ટનો પુરાવો અને સોના-ચાંદીની પેમેન્ટ કર્યા બાદનું બેન્કનું સ્ટેટમેન્ટ આ પુરાવા હશે તો ખરીદનારને ભવિષ્યમાં તકલીફ આવવાની કોઇ શક્યતા રહેશે નહીં. કાયદેસરનાં નાણાંથી ખરીદનારને મુશ્કેલીમાં મુકાવું નહીં પડે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારની અા સ્પષ્ટતાના કારણે લોકોની કાયદેસરના નાણા દ્વારા સોનાના દાગીના અને ચાંદીની ખરીદીમાં વધારો થશે. જો કે બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે લાંબા ગાળે સોનાના ભાવમાં ખાસ કોઈ વધઘટ થશે નહીં.
http://sambhaavnews.com/

You might also like