સેવિંગ્સ એકાઉન્ટની જેમ Gold સેવિંગ્સ એકાઉન્ટ ખોલી શકાશે

મુંબઇ: સરકાર ગોલ્ડ પો‌લિસીમાં ધરખમ ફેરફાર લાવી રહી છે. નાણાં વિભાગે ગોલ્ડ પો‌લિસીનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જેમાં બેન્કોમાં જેમ સેવિંગ્સ -બચતખાતું ખોલવામાં આવે છે તેવી રીતે હવે બેન્ક અને પોસ્ટ ઓફિસમાં ગોલ્ડ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવી શકાશે. પીએમઓએ આ પો‌લિસી ઉપર મંજૂરીની મહોર મારી દીધી છે.

આ પ્રસ્તાવને ખૂબ જ ઝડપથી મંજૂરી માટે કેબિનેટને મોકલવામાં આવશે. નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે આ સ્ક્રીમ લાવવા પાછળનો સરકારનો હેતુ લોકોને સેવિંગ્સ એકાઉન્ટ અંતગર્ત સોનું ઉપલબ્ધ કરાવવાનો છે, જેના પગલે સોનાની આયાત હાલ ઊંચી જોવા મળી રહી છે.

તે અટકી શકે તથા વિદેશ હૂંડિયામણ મોટા પ્રમાણમાં બહાર જઇ રહ્યું છે તે બચાવી શકાય. આ યોજનાથી બજારમાં સોનાની લિકવિડીટી વધશે. નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે સરકાર આ યોજનાનો ખૂબ જ ઝડપથી વ્યાપ વધે તે માટે મોટા પાયા પર આ યોજના લોન્ચ થાય તેના ઉપર કામ કરી રહી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ બેન્ક અને પોસ્ટ ઓફિસમાં ખોલાવેલા ગોલ્ડ સેવિંગ્સ એકાઉન્ટ પરના જમા પૈસા બરાબર સોનું મળશે એટલું જ નહીં, સરકાર સોના સિવાય અન્ય સ્વરૂપમાં પણ વિકલ્પ ઉપલબ્ધ કરાવશે. જો રોકાણકાર સોનાના સ્વરૂપમાં ઉપાડ પાછો લેવાનું ઇચ્છે નહીં તો તેને રોકડના સ્વરૂપમાં પણ ઉપાડ મળશે.

નાણાં ઉપાડ પર કેપિટલ ગેઇન ટેક્સ નહીં લાગે એટલું જ નહીં, સ‌ોવરિન બોન્ડ સ્કીમ પર બેન્કો જેટલું વ્યાજ આપે છે એટલું જ વ્યાજ ગોલ્ડ સેવિંગ્સ એકાઉન્ટ પર એટલે કે ર.પ ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવશે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે સામાન્ય લોકોને સોનું ખરીદવા માટે સેવિંગ્સ કરવાનો વિકલ્પ મળશે. સરકાર સોનાની આયાત ઘટે તે માટે ગંભીરતાથી વિચારણા કરી રહી છે.

You might also like