સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળ્યો

અમદાવાદ: પાછલા સપ્તાહે સોનાના ભાવમાં ફૂલગુલાબી તેજી જોવા મળી હતી, પરંતુ હવે તેજીનો પવન ધીમે ધીમે ઓસરતો જઇ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.  આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યો છે અને સોનામાં ૦.૪ ટકાના ઘટાડો નોંધાયો છે. તો બીજી બાજુ વૈશ્વિક ઇક્વિટી બજારમાં ઉછાળો જોવા મળ્યો છે. સ્થાનિક બજારમાં પણ તેની સીધી અસર નોંધાઇ ૪૦૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે, જેની અસરે આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડા તરફી ચાલ જોવા મળી છે અને ૧૦ ગ્રામ શુદ્ધ સોનું ૨૯,૦૦૦ની સપાટી તોડી નીચે ૨૮,૩૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો છે. ચાંદીમાં પણ ૩૭,૦૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચાલુ કેલેન્ડર વર્ષમાં વૈશ્વિક બુલિયન બજારમાં ૧૨૬૦ ડોલરની સપાટીએ ભાવ પહોંચી ગયા હતા તે વર્ષની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ ભાવ નોંધાયા છે તેમાં ૩૦ ડોલર ભાવ તૂટ્યા છે. બજારના એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે પાછલાં બે-ચાર સપ્તાહથી વૈશ્વિક બજારોમાં ભારે અફરાતફરી જોવા મળી રહી છે. ખાસ કરીને ઇક્વિટી બજાર તથા બુલિયન બજાર સહિત ક્રૂડના ભાવમાં પણ ભારે અફરાતફરી જોવા મળી છે તેના કારણે ભાવમાં પણ  ઝડપથી વધ-ઘટની અસર નોંધાઇ રહી છે.

You might also like