આર્થિક મહાસત્તા બનવા માટે ભારત દ્વારા સોનાની જંગી ખરીદી

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર ભારત આર્થિક મહાસત્તા બનવા માટે ટનબંધ સોનું ખરીદી રહ્યું છે. આમ પણ સોનું ખરીદવું એ ભારતીયોની પ્રથમ પસંદગી છે, પરંતુ હવે સોનું સામાન્ય લોકો કરતાં દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો વધુ ખરીદે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર છેલ્લા નવ વર્ષ દરમિયાન ભારત, રશિયા અને કઝાકિસ્તાને સોનાની જંગી ખરીદી કરી છે. ભારતની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કુલ ૫૦.૯૪ ટન, રશિયાની સેન્ટ્રલ બેન્કે ૧,૫૦૧ ટન અને કઝાકિસ્તાન ૨૮૫.૮૪ ટન સોનાની ખરીદી કરી છે.

અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે વ્યાજદર વધારવાના સમયગાળામાં સોનાની ખરીદીથી ભારતનું કરન્સી રિઝર્વ મજબૂત બને છે. આ સંજોગોમાં ભારતની આર્થિક સ્થિતિ મજબૂત થશે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આરબીઆઇ દ્વારા સોનાની વધુ ખરીદી કરવાનો હેતુ દેશને ગ્લોબલ રિસ્કથી બચાવવાનો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર દુનિયામાં સૌથી વધુ સોનાનો ભંડાર અમેરિકા પાસે છે. અમેરિકા પાસે કુલ ૮,૧૩૩.૫ ટન સોનું રિઝર્વમાં છે. જર્મની દુનિયાનો બીજો સૌથી મોટો દેશ છે કે જેની પાસે ઓફિશિયલ ગોલ્ડ હોલ્ડિંગ ૩,૩૬૯.૭૦ ટન છે. ઇટલી પાસે ૨,૪૫૧.૮ ટન સોનું જમા છે.

બ્લુૂમબર્ગના ડેટા અનુસાર સોનાનું રિટર્ન ૧૩.૬૬ ટકા છેલ્લાં ૧૫ વર્ષમાં જોવા મળ્યું છે. વર્ષ ૨૦૧૯ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતમાં સોનાની ડિમાન્ડ પાંચ ટકા વધીને ૧૫૯ ટન પર પહોંચી ગઇ છે. ૨૦૧૯ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતીયોએ રૂ. ૪૭,૦૧૦ કરોડનું સોનું ખરીદ્યું છે અને વૈશ્વિક સ્તરે પણ સોનાની માગમાં સાત ટકાનો વધારો થયો છે. પ્રથમ ક્વાર્ટરમાં વૈશ્વિક સ્તરે સોનાની માગ ૧,૦૫૩.૩ ટન પર પહોંચી ગઇ છે.

You might also like