સ્થાનિક બજારમાં સોનાના ભાવ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ

અમદાવાદ: આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે. આજે શરૂઆતે સોનાના ભાવમાં ૨૦૦ રૂપિયાનો ઉછાળો નોંધાઈ રૂ.૩૦,૭૦૦ની સપાટીએ ભાવ પહોંચી ગયા હતા. બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં સોનું ૧૩૨૦ ડોલર પ્રતિ ઔંસની સપાટીની નજીક ૧૩૧૯ ડોલરની સપાટીએ પહોંચી જતાં તથા રૂપિયામાં નરમાઈની ચાલની અસરથી સોનાના ભાવમાં મજબૂત સુધારો જોવા મળ્યો છે.

છેલ્લા એક મહિનામાં ૭૦૦ રૂપિયા કરતા પણ વધુનો ઉછાળો જોવાઈ ચૂક્યો છે. જ્યારે પાછલા વર્ષની સરખામણીમાં સોનાના ભાવ ૨૪૦૦ રૂપિયા ઉંચા છે. પાછલા વર્ષે ૨૮,૩૦૦ની સપાટીએ ભાવ જોવા મળ્યો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે વધતી તંગદિલીના પગલે સલામત રોકાણ તરીકે સોનાની માગમાં ઉછાળો આવતાં સોનાના ભાવમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી છે.

દરમિયાન ચાંદીના ભાવમાં પણ આજે શરૂઆતે વધુ રૂપિયા ૨૦૦નો ઉછાળો નોંધાઈ ચાંદીમાં રૂ.૩૯,૭૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.

You might also like