સોનામાં સુધારાની ચાલઃ ચાંદીએ ૪૦ હજારની સપાટી પાર કરી

અમદાવાદ: સોનામાં છેલ્લા એક સપ્તાહથી પ્રેશર જોવા મળ્યું હતું. સપ્તાહ દરમિયાન સોનામાં સાધારણ માત્ર રૂ. ૧૦૦નો ઉછાળો નોંધાઇ ૧૦ ગ્રામ શુદ્ધ સોનું રૂ. ૨૯,૩૦૦-૨૯,૩૫૦ની સપાટીએ પહોંચ્યું હતું, જોકે રાજકીય અનિશ્ચિતતા વચ્ચે તથા સોનામાં ફરી એક વખત વૈશ્વિક મોરચે સુધારાની ચાલ જોવા મળી છે. આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનામાં રૂ. ૨૦૦નો ઉછાળો નોંધાઇ ૨૯,૫૦૦ની સપાટીએ પહોંચી ગયું હતું, જ્યારે ચાંદી ૪૦ હજારની સપાટીએ પહોંચેલી જોવા મળી હતી. સ્થાનિક બજારમાં ચાંદીમાં રૂ. ૩૦૦નો ઉછાળો નોંધાયો છે.

સોનું ૧૨૬૬ ડોલર પ્રતિઔંસની સપાટીએ પહોંચી ગયેલું જોવાયું છે, જે મે મહિનાની ઊંચી સપાટીએ નોંધાયું છે. યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જર્મનીની વેપાર નીતિને તથા નાટો સાથે જોડાયેલા દેશોને વખોડી કાઢ્યા છે. સાથેસાથે આગામી જૂન મહિનામાં અમેરિકામાં વ્યાજદરમાં વધારો થાય તેવી પણ શક્યતા નોંધાઇ રહી છે. આ જોતાં સોનામાં મજબૂતાઇની ચાલ નોંધાઇ છે.

સ્થાનિક મોરચે પણ તેની અસર જોવા મળી છે. જીએસટીની આગામી ૩ જૂને મળનારી કાઉન્સિલની બેઠકમાં સોના ઉપર જીએસટીના રેટની જાહેરાત થઇ શકે છે, જેમાં ચારથી પાંચ ટકા સુધીનો જીએસટી રેટ આવે તેવી પણ શક્યતા જણાય છે, જેના પગલે સોનામાં સુધારો નોંધાયો છે.
http://sambhaavnews.com/

You might also like