સોનાના ભાવે ૩૦ હજારની સપાટી વટાવી

અમદાવાદ: વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલા અનિશ્ચિતતાના માહોલ તથા વ્યાજદર વધવાની ભીતિએ સોનાના ભાવ સાત મહિનાની ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા.

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ૧૩૦૦ ડોલરની સપાટી ક્રોસ કરી ૧૩૧૧ ડોલરની સપાટીએ પહોંચ્યા હતા. એટલું જ નહીં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા પણ વ્યાજદરમાં વધારો કરાય તેવી શક્યતા પાછળ સોનાના ભાવમાં મજબૂત ઉછાળો નોંધાયો છે.

દરમિયાન આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં રૂ. ૩૫૦થી ૪૦૦નો ઉછાળો નોંધાઇ ૧૦ ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ ૩૦,૦૦૦ની સપાટી ક્રોસ કરી ૩૦,૦૫૦ની સપાટીએ ખૂલ્યો હતો. એ જ પ્રમાણે ચાંદીના ભાવમાં પણ ૨૦૦થી ૩૦૦ રૂપિયાનો ઉછાળો નોંધાઇ ૪૦,૫૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. એક સપ્તાહમાં સોનાના ભાવમાં રૂ. ૭૦૦ કરતા પણ વધુનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે.

બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે જીએસટીના અમલ બાદ સોના અને ચાંદીના ભાવમાં હજુ વધારો થઇ શકે છે.

મે મહિનામાં ૧૦૩ ટન સોનાની આયાત
મે મહિનામાં સોનાની આયાત પાછલા વર્ષની સરખામણીએ ચાર ગણી વધી ૧૦૩ ટનની સપાટીએ પહોંચી ગઇ છે. જીએસટી લાગુ થયા પૂર્વે બુલિયન અને જ્વેલર્સોએ સોનાની માગમાં વધારો કર્યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે બુલિયનના વેપારીઓએ મોટા પ્રમાણમાં સ્ટોક કરવા આયાત વધારી છે.

મે-૨૦૧૬માં ભારતે ૨૫.૩ ટન સોનાની આયાત કરી હતી. કારોબારીઓના જણાવ્યા પ્રમાણે સોના ઉપર પાંચ ટકા જીએસટી આવે તેવી શક્યતાઓ પાછળ સોનાની આયાત વધુ કરી હતી, જોકે હવે સરકાર દ્વારા ત્રણ ટકા જ જીએસટી લાગુ કરવાની જાહેરાત થતાં તથા મેમાં ઊંચી આયાતના પગલે જૂનમાં સોનાની આયાતમાં ઘટાડો નોંધાઇ શકે છે તેવું બુલિયન બજારના વેપારીઓ જણાવી રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like