૧૦ દિવસમાં સોનામાં ૧,૦૦૦નો ઉછાળો

અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શાસનમાં આવવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વેપાર નીતિમાં મોટા ફેરફાર આવી શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ વૈશ્વિક સોનાના ભાવમાં પાછલાં બે સપ્તાહથી મજબૂત સુધારાની ચાલ જોવા મળી હતી અને વૈશ્વિક બજારમાં સોનું ૧૨૦૦ ડોલરની નજીક ૧૧૯૭ની સપાટીની નજીક પહોંચી ગયું હતું.

સ્થાનિક બજારમાં પાછલા ૧૦ દિવસમાં રૂ. ૧૦૦૦થી વધુનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે અને આજે શરૂઆતે વધુ ૧૫૦ રૂપિયાનો સુધારો નોંધાઇ ૨૯,૩૫૦-૨૯,૪૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં ડોલરની નરમાઇના પગલે સોનામાં સકારાત્મક ચાલ જોવા મળી હતી અને સોનું સાત સપ્તાહની ઊંચી સપાટીએ જોવા મળ્યું હતું. ચાંદીમાં પણ આજે શરૂઆતે ૦.૨૫ ટકાનો ઉછાળો નોંધાઇ ૧૭ ડોલર પ્રતિઔંસની સપાટીની નજકી ૧૬.૯ ડોલરની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી.

દરમિયાન સ્થાનિક બજારમાં ચાંદી ૪૧,૦૦૦ની સપાટી ક્રોસ કરી ૪૧,૦૫૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. ડોલરમાં જોવા મળી રહેલા અપ ડાઉનના પગલે હેજિંગ માટે મોટા ફંડોની સોનાની એકધારી લેવાલીના પગલે સોનામાં આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી.

એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં વધુ સુધારો જોવાઇ શકે છે તેવી શક્યતાઓ પાછળ રોકાણરૂપી લેવાલી પણ વધતાં વધુ સુધારાને સપોર્ટ કર્યો હતો. સ્થાનિક જ્વેલર્સ એસોસિયેશનોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં બજેટમાં સોનામાં આયાત ડ્યૂટી હાલ જે ૧૦ ટકા છે તેમાં ઘટાડો જોવાય તેવી શક્યતાઓ છે. એ જ પ્રમાણે જીએસટીમાં જુદી જુદી કોમોડિટી કયા ટેક્સ સ્લેબમાં આવશે તે અંગે અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે સોના ઉપર પણ ત્રણથી ચાર ટકા જીએસટી લાદવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે.
http://sambhaavnews.com/

You might also like